Home Gujarat Morbi New Sadulka Three Herders Drown In Farm Pond

મોરબીના નવા સાદુળકા ગામે કરુણ દુર્ઘટના : બાળક સહિત ત્રણ માલધારીઓના ડૂબી જવાથી મોત

મોરબીની કેનાલ
Published by: Chintan Chavda
Last Updated: May 13, 2026, 12:09 PM IST

નવા સાદુળકા ગામ નજીક આવેલી ખેત તલાવડીમાં બનેલી કરુણ ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન બનાવી દીધું છે. ઘેટાં-બકરા ચરાવવા ગયેલા બાળક સહિત ત્રણ માલધારીઓના ડૂબી જવાથી મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યારે મોરબી ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, નવા સાદુળકા ગામના ચાર માલધારીઓ રોજિંદા કામ મુજબ ઘેટાં-બકરા ચરાવવા માટે ગામની સીમ વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન ગામ નજીક આવેલી ખેત તલાવડી પાસે તેઓ રોકાયા હતા. ત્યારે અગમ્ય કારણોસર 11 વર્ષીય બાળક જયદેવ સોંડાભાઈ રાતડિયા તલાવડીમાં પડી ગયો હતો.
ગુજરાતની જાણીતી કંપનીના MD ના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ: મોટી દુર્ઘટના થતાં થતાં ટળી! જાણો અચાનક એવું તો શું થયું

બાળકને બચાવવા પડેલા બે યુવાનો પણ ડૂબ્યા

બાળકને પાણીમાં પડતો જોઈને તેની મદદ માટે નજીકમાં હાજર બે યુવાનો તાત્કાલિક તલાવડીમાં કૂદી પડ્યા હતા. જોકે, તલાવડીનું ઊંડું પાણી અને યોગ્ય તરવાની ક્ષમતા ન હોવાને કારણે ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર અન્ય લોકોએ બચાવનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.

આ દુર્ઘટનામાં 28 વર્ષીય હાથાભાઈ કુંજાભાઈ રાતડિયા, 11 વર્ષીય જયદેવ સોંડાભાઈ રાતડિયા અને 31 વર્ષીય કાળુભાઈ ગીગુભાઈ ભરવાડના મોત થયા હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. એકસાથે ત્રણ લોકોના મોત થતા માલધારી સમાજ અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી તલાવડીમાં શોધખોળ હાથ ધરી હતી. લાંબી મહેનત બાદ ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેમાં એક લકી ઓછી દેખાતાં ફૂટ્યો 1.66 કરોડના દાગીનાની ચોરીનો ભાંડો: સેલ્સ ગર્લ પર કેમ ગઇ શંકા? CCTVમાં કેદ થઈ ત્રણ સ્ટેપની ચોરીની આખી કહાની, સોની બજારમાં ચર્ચા

ગ્રામ્ય વિસ્તારોમાં ખેત તલાવડી બની રહી છે જોખમ

ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ માટે બનાવવામાં આવતી ખેત તલાવડીઓ ઘણીવાર સુરક્ષા વ્યવસ્થા વિના ખુલ્લી રહેતી હોવાથી આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. ખાસ કરીને બાળકો અને પશુપાલન સાથે જોડાયેલા લોકો માટે આવી તલાવડીઓ જોખમી સાબિત થતી હોવાનું અનેક ઘટનાઓમાં સામે આવ્યું છે.

સ્થાનિક લોકો દ્વારા તલાવડી આસપાસ સુરક્ષા વાડ, ચેતવણી બોર્ડ અને જરૂરી સાવચેતીના પગલાં લેવાની માંગ ઉઠી રહી છે જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ ટાળી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now