Home Gujarat Navsari Helicopter Emergency Landing Nirma Md

ગુજરાતની જાણીતી કંપનીના MD ના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ : મોટી દુર્ઘટના થતાં થતાં ટળી! જાણો અચાનક એવું તો શું થયું

નિરમાના MD હિરેન પટેલના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ
Published by: Chintan Chavda
Last Updated: May 13, 2026, 11:11 AM IST

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મગોબ ભાઠા ગામ નજીક આજે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. જાણીતી કંપની Nirmaના મેનેજિંગ ડિરેક્ટર Hiren Patelને લઈ જતું હેલિકોપ્ટર ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સદનસીબે, હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને પાઈલોટ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાએ થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. ખાસ કરીને જ્યાં હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું તે સ્થળ નજીક ONGCનું મહત્વપૂર્ણ વાલ્વ હોવાને કારણે મોટી દુર્ઘટનાની આશંકા વ્યક્ત થઈ રહી હતી.

અમદાવાદથી સુરત અને પછી મુંબઈ જતાં સર્જાઈ ખામી

મળતી માહિતી મુજબ નિરમા કંપનીના MD હિરેન પટેલ આજે સવારે અમદાવાદથી સુરત પહોંચ્યા હતા. સુરતથી તેઓ હેલિકોપ્ટર મારફતે મુંબઈના જુહુ જવા માટે નીકળ્યા હતા. જોકે, ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

પાઈલોટે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં નવસારી જિલ્લાના મગોબ ભાઠા ગામ નજીકના ખેતરમાં સલામત રીતે હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું હતું.

ONGC વાલ્વ નજીક હોવાથી વધી હતી ચિંતા

ઘટનાનું સૌથી ગંભીર પાસું એ હતું કે જ્યાં હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું હતું ત્યાંથી આશરે 500 મીટરના અંતરે ONGC નું મુખ્ય વાલ્વ આવેલું હોવાનું જાણવા મળ્યું છે.

જો ટેકનિકલ ખામી વધુ ગંભીર બની હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવી બેઠું હોત અથવા ONGC વિસ્તારમાં અથડાયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.
હવેથી પોલીસ જાહેરમાં સરઘસ નહીં કાઢી શકે!: DGP દ્વારા તમામ પોલીસ અધિકારીઓ માટે કડક લેખિત આદેશ

પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું

ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટેક્નિકલ ટીમ દ્વારા હવે હેલિકોપ્ટરમાં સર્જાયેલી ખામી અંગે તપાસ કરવામાં આવશે. DGCA અને સંબંધિત એવિએશન સત્તાધિકારીઓ પણ આ મામલે ટેક્નિકલ રિપોર્ટ માંગે તેવી શક્યતા છે.

હાલ સુધી ખામીનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક રીતે ટેક્નિકલ ફોલ્ટને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

બાય રોડ મુંબઈ જવા રવાના થયા હિરેન પટેલ

ઈમરજન્સી લેન્ડિંગ બાદ હિરેન પટેલ અને તેમની સાથેના અન્ય સભ્યો સલામત રીતે હેલિકોપ્ટરમાંથી બહાર આવ્યા હતા. ત્યારબાદ તેઓ રોડ માર્ગે મુંબઈ જવા માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો: પોસ્ટમોર્ટમ રૂમ પાસે અદ્યતન 'બોડી ફિલ્ટર મશીન' કાર્યરત, જાણો શું છે તેની ખાસિયત

પાઈલોટની કુશળતાની પ્રશંસા

સ્થાનિક લોકો અને અધિકારીઓએ પાઈલોટની હાજરજવાબી અને કુશળતાની પ્રશંસા કરી છે. સમયસર નિર્ણય લેવામાં આવ્યો ન હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી.

હાલ સમગ્ર મામલે ટેક્નિકલ તપાસ શરૂ કરવામાં આવી છે અને હેલિકોપ્ટરની સ્થિતિ અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now