Home Sports Mohammad Nawaz Dr Ug Test Positive T20 World Cup Controversy

પાકિસ્તાની ક્રિકેટની કાળી કરતૂત આવી સામે! : T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન કરી હતી શરમજનક હરકત

Mohammad Nawaz
Published by: Aryan Shah
Last Updated: Apr 22, 2026, 01:29 PM IST

T20 World Cup : પાકિસ્તાન ક્રિકેટ ટીમ હંમેશા કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે, પરંતુ આ વખતે મામલો ઘણો ગંભીર છે. પાકિસ્તાનના અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવતા ક્રિકેટ જગતમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે વર્ષ 2026 માં ભારત અને શ્રીલંકામાં T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કપ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીનું નામ ડ્રગ્સ વિવાદમાં આવતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ફજેતી થઈ રહી છે.

વર્લ્ડ કપ દરમિયાનનો ડ્રગ ટેસ્ટ

મળતી માહિતી મુજબ, 2026 ના T20 વર્લ્ડ કપ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ખેલાડીઓના રેન્ડમ ડોપ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. આ ટેસ્ટિંગ પ્રક્રિયા દરમિયાન મોહમ્મદ નવાઝના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ હાલમાં આવ્યો છે અને તે પોઝિટિવ જણાયો છે. ICC એ આ મામલે ગંભીરતા દાખવીને 22 એપ્રિલના રોજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો સંપર્ક કર્યો હતો અને તેમને આ પરિણામો વિશે વિગતવાર જાણકારી આપી હતી.

PCB દ્વારા તપાસનો ધમધમાટ

ICC દ્વારા સૂચના મળતા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક્શન મોડમાં આવી ગયું છે. PCB ના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે, ખેલાડી સામે સત્તાવાર તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બોર્ડ હવે એ તપાસ કરી રહ્યું છે કે, નવાઝે કયા સંજોગોમાં આ દ્રવ્યોનું સેવન કર્યું હતું. આ તપાસના અંતે જે પણ તારણો નીકળશે તે ICC ને સોંપવામાં આવશે. જો નવાઝ આ મામલે દોષિત ઠરશે, તો તેની પર લાંબા સમય સુધી રમવા માટે પ્રતિબંધ મુકવામાં આવી શકે છે, જે તેની કરિયરનો અંત પણ લાવી શકે છે.

આ પણ ખાસ વાંચો : T20 વર્લ્ડ કપ 2026 માં મેચ ફિક્સિંગનું કૌભાંડ! : કેપ્ટન પર લાગ્યા ગંભીર આરોપ, લીક ઓડિયોએ વધારી શંકા

સરે કાઉન્ટી સાથેનો કરાર રદ

આ વિવાદની સૌથી મોટી અને તાત્કાલિક અસર નવાઝની વ્યાવસાયિક કરિયર પર જોવા મળી છે. મોહમ્મદ નવાઝે હાલમાં ઈંગ્લેન્ડની પ્રસિદ્ધ સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે T20 બ્લાસ્ટ રમવા માટે કરાર કર્યો હતો. 26 મે થી 18 જુલાઈ વચ્ચે આ ટુર્નામેન્ટ રમાવાની હતી. જોકે, ડ્રગ ટેસ્ટ પોઝિટિવ હોવાની અને તપાસ શરૂ થઈ હોવાની જાણ થતાં જ સરે ક્લબે નૈતિક ધોરણે નવાઝ સાથેનો કરાર તાત્કાલિક અસરથી તોડી નાખ્યો છે. નવાઝ માટે આ એક મોટો આર્થિક અને પ્રતિષ્ઠાનો ફટકો સાબિત થયો છે.

નવાઝનું પરફોર્મન્સ અને આંકડા

32 વર્ષીય ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ અત્યાર સુધી પાકિસ્તાન માટે 98 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. 2026 ના વર્લ્ડ કપમાં તે સલમાન અલી આગાની કેપ્ટન્સી હેઠળ ટીમનો મહત્વનો ભાગ હતો. ટુર્નામેન્ટમાં નવાઝે 7 મેચ રમી હતી જેમાં 7 વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં માત્ર 15 રન બનાવ્યા હતા. ભારત સામેની હાઇ-વોલ્ટેજ મેચમાં પણ તે રમ્યો હતો, પરંતુ તે મેચમાં પણ પાકિસ્તાનનો પરાજય થયો હતો. પાકિસ્તાનની ટીમ આ ટુર્નામેન્ટમાં સુપર-8 રાઉન્ડથી આગળ વધી શકી નહોતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now