Aravalli News: અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના રેલવે મુસાફરો માટે ખૂબ જ આનંદના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. મોડાસા-કપડવંજ બ્રોડગેજ રેલ્વે લાઈનને વધુ ઝડપી અને ફાટક મુક્ત બનાવવા માટે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રેલવે લાઇન પર ટ્રેનોની ગતિ વધારવા અને વાહનચાલકોની સુવિધા માટે ૨૦ જેટલા રેલવે ક્રોસિંગ પર અન્ડરબ્રિજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત લાવી રંગ
હાલમાં મોડાસાથી કપડવંજ રેલવે લાઈન પર નાના-મોટા થઈને કુલ ૫૩ જેટલા ફાટકો આવેલા છે. આટલી મોટી સંખ્યામાં ફાટકો હોવાના કારણે રેલવેની ગતિ ધીમી રહેતી હતી અને સ્થાનિક વાહનચાલકોને પણ ફાટક બંધ થવાના કારણે કલાકો સુધી અટવાઈ રહેવું પડતું હતું, જેનાથી ભારે મુશ્કેલીઓ સર્જાતી હતી. આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને આ પ્રોજેક્ટની ધીમી ગતિને વધારવા અને ફાટકો દૂર કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. સાંસદની આ સચોટ રજૂઆતને પગલે રેલવે મંત્રાલયે ત્વરિત એક્શન લેતા આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.
૩૨ ફાટકોનું આવશે કાયમી નિરાકરણ: રેલવેનો એક્શન પ્લાન
રેલવે મંત્રાલય દ્વારા આ રૂટ પરથી ફાટકોની સમસ્યા નાબૂદ કરવા માટે ત્રિપાંખીયો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત કુલ ૩૨ ફાટકોનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે:
૨૦ અન્ડરબ્રિજ: ટ્રાફિકની સમસ્યા વાળા ૨૦ રેલવે ક્રોસિંગ પર અન્ડરબ્રિજ (ગરનાળા) બનાવવામાં આવશે.
૦૬ ફાટક નાબુદ: બિનજરૂરી એવા ૦૬ રેલવે ફાટકોને કાયમી ધોરણે બંધ (નાબુદ) કરવામાં આવશે.
૦૬ ફાટક મર્જ કરાશે: નજીક-નજીક આવેલા અન્ય ૦૬ ફાટકોને એકબીજા સાથે મર્જ કરીને વૈકલ્પિક રસ્તો અપાશે.
"કચેરીઓ વધારવાથી નહીં, દાનત સુધારવાથી પ્રશ્નો ઉકેલાશે" : પાલ આંબલિયાના સરકાર પર આકરા પ્રહાર
શામળાજીથી મોડાસા રેલવે લાઇનનું કામ અંતિમ તબક્કામાં
બીજી તરફ, શામળાજીથી મોડાસા નવી રેલવે લાઇનનું નિર્માણકાર્ય પણ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ રેલવે લાઇન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે જ ફાટકો મુક્ત કરવાનો નિર્ણય લેવાતા શામળાજીથી વાયા મોડાસા-કપડવંજ રેલવે લાઇન વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બની જશે.
તબક્કાવાર 'ફાટક મુક્ત' રેલવે લાઈન તરફ પ્રયાણ
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ભવિષ્યમાં આ રૂટ પર દોડતી ટ્રેનોની સ્પીડમાં મોટો વધારો થશે, જેથી મુસાફરોના સમયની બચત થશે. તબક્કાવાર આખી રેલવે લાઈનને 'ફાટક મુક્ત' કરવાની દિશામાં રેલવે વિભાગે યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મંજૂરી મળતા જ સમગ્ર પંથકના પ્રજાજનો અને વેપારી આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.





