નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના 'થપ્પડ કાંડ' કેસમાં મહત્વની અપડેટ સામે આવી છે. ચૈતર વસાવાને આજે પણ જેલમાં જ રહેવું પડશે. કારણ કે, સમય મર્યાદામાં ચૈતર વસાવાના પુરતા દસ્તાવેજી પુરાવા ડેડીયાપાડા કોર્ટથી રાજપીપળા કોર્ટમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં પહોંચાડવામાં આવ્યા ન હતા. જેના પગલે સોમવારે ચૈતર વસાવાની જામીન અરજી દાખલ થઈ શકી નથી, જેથી હવે મંગળવારે જામીન અરજી દાખલ થઈ શકે છે.
આવતીકાલે જામીન અરજી કરશે!
ચૈતર વસાવાને ગઈકાલે નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પંરતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા, ચૈતર વસાવાના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલ જામીન અરજી પણ કોર્ટ દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જેથી ચૈતર વસાવાના વકીલો દ્વારા સોમવારે સેશન્સ કોર્ટમાંથી જામીન મેળવવાનું નક્કી કર્યું હતું પરંતુ જામીન અરજી રજૂ કરવા આડે દસ્તાવેજી ડખો નડી ગયો.. નીચલી કોર્ટમાંથી સેશન્સ કોર્ટમાં આ કેસના દસ્તાવેજો નહીં પહોંચ્યા જેથી જામીન અરજીની જરૂરી કાનૂની પ્રક્રિયા થઈ શકી નહીં. જેથી હવે મંગળવારે જામીન અરજી રજૂ કરવામાં આવી શકે છે.
જાણો સમગ્ર કેસ?
શનિવારે સાંજે ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટી સંકલન બેઠક હતી. જે દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મામલો બિચક્યો અને સીધો જ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જે મામલે ચૈતર વસાવાની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચૈતર વસાવા સામે અભદ્ર ભાષા બોલવાનો અને પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવાનો પણ આક્ષેપ થયો. ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવતા તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમગ્ર કેસ મામલે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 3 વાગ્યે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી નર્મદાના રાજપીપળાની એલસીબીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ ગાડી સામે હંગામો મચાવ્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, આ બધાની વચ્ચે પોલીસ તેમને રાજપીપળા લઈ ગઈ હતી, ત્યારે ગઈકાલે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં રિમાન્ડ નામંજૂર થયા હતા તેમજ તેમની જામીન અરજી પણ રિજેક્ટ થઈ હતી, જો કે, આજે કોર્ટ સુધી દસ્તાવેજો ન પહોંચતા જામીન અરજી થઈ નથી

_2d27645d-6c2b-4391-ac46-62faf512cc24.jpg)



