નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા બબાલ કેસમાં મહત્વની અપડેટ સામે આવી છે. ચૈતર વસાવાને આજે રાજપીપલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને નર્મદા પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પંરતુ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા છે.
ચૈતર વસાવાની જામીન અરજી પણ રિજેક્ટ
જો કે, પોલીસ કરેલી રિમાન્ડ માંગણી મામલે કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા છે, સાથો સાથ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી પણ રિજેક્ટ કરી છે, હવે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે. જેના પગલે હવે ચૈતર વસાવાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે
વકીલ સુરેશ જોશીએ શું કહ્યું ?
ચૈતર વસાવાના વકીલ સુરેશ જોશીએ કહ્યું કે, ''પોલીસ ખાતા તરફથી પાંચ દિવસના રિમાન્ડની અરજી આપવામાં આવી હતી, જેમાં દલીલો કરવામાં આવી હતી કે, રાજકીય કિન્નાખોરીથી અરજી કરવામાં આવી છે, જેના પગલે કોર્ટ રિમાન્ડ અરજી ફગાવી હતી ત્યારબાદ અમે જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી છે ત્યારે હવે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે''
શું છે સમગ્ર કેસ?
શનિવારે સાંજે ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટી સંકલન બેઠક હતી. જે દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મામલો બિચક્યો અને સીધો જ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જે મામલે ચૈતર વસાવાની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચૈતર વસાવા સામે અભદ્ર ભાષા બોલવાનો અને પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવાનો પણ આક્ષેપ થયો છે. ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવતા તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમગ્ર કેસ મામલે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને 3 વાગ્યે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી નર્મદાના રાજપીપળાની એલસીબીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ ગાડી સામે હંગામો મચાવ્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, આ બધાની વચ્ચે પોલીસ તેમને રાજપીપળા લઈ ગઈ હતી, ત્યારે આજે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.






