Home Gujarat Mission Mangal Ahmedabad Commissioner Office Trust Govt Offbeatstories

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પહેલ : અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે મંગલમ કેન્ટીનનો પ્રારંભ

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પહેલ
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 03:10 PM IST

ગુજરાત સરકારના ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (GLPC), જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સખી મંડળોની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી મંગલમ કેન્ટીનનો આરંભ કરવામાં આવ્યો હતો.

મિશન મંગલમાં સખી મંડળ યોજના  હેઠળ શરૂ કરવામાં આવેલ આ મંગલમ કેન્ટીન આત્મનિર્ભર ભારતની દિશામાં એક પગલું છે. મંગલમ કેન્ટીન એ સખી મંડળની સાથે જોડાયેલી બહેનોની આત્મનિર્ભરતા અને પ્રગતિનું પ્રતીક છે. જ્યાં સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા સ્વાદિષ્ટ સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ ભોજનની સુવિધા આપવામાં આવે છે.

આવી જ એક મંગલમ કેન્ટીન અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરની  કચેરીએ આવતા મુલાકાતીઓ તથા સ્ટાફને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે, સાથે જ આત્મનિર્ભરતાના અભિયાનમાં અમદાવાદ શહેર પોલીસ સહભાગી થઈ શકે તે હેતુથી આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આ મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


અમદાવાદ કમિશ્નરની કચેરી ખાતે કાર્યરત મંગલમ કેન્ટીનમાં વિરમગામ તાલુકાના રંગપુર ગામના ત્રિદેવ સખી મંડળ દ્વારા સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ ભોજનની સુવિધા આપવામાં આવે છે. આ કેન્ટીન સવારે 10:00 થી સાંજે 05:30 સુધી કાર્યરત હોય છે.


મંગલમ કેન્ટીન હેઠળના આ ત્રિદેવ સખી મંડળના આગેવાન હર્ષિતાબહેનના જણાવ્યા અનુસાર મિશન મંગલમ હેઠળ સરકાર દ્વારા મળતી સહાય તેમને ખૂબ મદદરૂપ થાય છે. કુલ 6 બહેનો મળીને અમદાવાદ કમિશ્નર કચેરી ખાતે ચાલતી મંગલમ કેન્ટીનનું સંચાલન કરે છે. તેમનું ત્રિદેવ સખી મંડળ છેલ્લાં 3 વર્ષથી કાર્યરત છે જેમાં 10 જેટલી બહેનો જોડાયેલી છે. આ બહેનો પોતાની રસોઈની આવડતના આધારે તાલુકા પંચાયતના કાર્યક્રમોમાં સહભાગી થતા હતા. હાલમાં આ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બની પોતાના ઘર, કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે. અમદાવાદ કમિશનરની કચેરી ખાતે કેન્ટીન માટે જગ્યા પૂરી પાડવા તથા બહેનોને આત્મનિર્ભર કરવામાં મદદરૂપ થવા બદલ આ બહેનો સરકારનો ખૂબ આભાર માને છે. હાલમાં મંગલમ કેન્ટીન સરકારી કચેરીઓ, યુનિવર્સિટી કોલેજ કેમ્પસ, હોસ્પિટલો અને અન્ય વિવિધ સરકારી ખાનગી સંસ્થાઓમાં કાર્યરત છે.


મંગલમ કેન્ટીનના માધ્યમથી સખી મંડળની બહેનોને રોજગારના નવા અવસરો પ્રાપ્ત થાય છે. જે તેમને ઉદ્યોગ સાહસિક બનવા માટેનો એક મજબૂત મંચ પૂરો પાડે છે. મંગલમ કેન્ટીનમાં કાર્યરત મહિલાઓ આત્મનિર્ભર થઈ તેમના સામાજિક જીવનમાં સન્માન અને સમૃદ્ધિ મેળવે છે. મંગલમ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી પગલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now