જગન્નાથ ધામ, પુરી (ઓડિશા) માત્ર ભક્તિનું નહીં પરંતુ રહસ્યો અને ચમત્કારોનું પણ કેન્દ્ર છે. અહીં આવતા દરેક યાત્રિકને એવો અનુભવ થાય છે કે તેઓ ભગવાન જગન્નાથને સક્ષાત્કાર મેળવી રહ્યા છે. મંદિર સાથે જોડાયેલા કેટલાક આશ્ચર્યજનક તથ્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હજુ સુધી અકલ્પ્ય છે.
પવનની વિરુદ્ધ દિશામાં ફરકતો ધ્વજ
જગન્નાથ મંદિરના ગુંબજ પર ફરકતો ધ્વજ હંમેશાં પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. આ ઘટના સામાન્ય રીતે કોઈ વૈજ્ઞાનિક કારણ વગર ઘટે છે.
સર્વદિશામાં સમાન દેખાતું સુદર્શન ચક્ર
મંદિરની ટોચ પર લગાવવામાં આવેલું સુદર્શન ચક્ર એક અનોખી રચના છે. આશ્ચર્યજનક રીતે, તે ચક્ર મંદિરની આસપાસથી કોઈ પણ દિશામાંથી જોશો તો પણ એકસરખું જ દેખાય છે.
સાત વાસણોમાં રસોઈનો ચમત્કાર
મંદિરના પ્રસાદની રસોઈ અનોખી રીતથી બને છે. પૂજારીઓ એક ઉપર એક એમ સાત વાસણ ગોઠવીને પ્રસાદ રાંધે છે. અગત્યની વાત એ છે કે સૌથી ઉપરનું વાસણ સૌપ્રથમ રંધાય છે અને પછી નીચેના વાસણો ક્રમશઃ રંધાતા જાય છે.
જોખમ વગર ધ્વજ બદલવાની પ્રક્રિયા
મંદિરના ગુંબજ પર દરરોજ ધ્વજ બદલવાની પરંપરા છે. 45 માળ જેટલી ઊંચાઈ પર પૂજારી કોઈપણ સુરક્ષા સાધનો વગર ચઢે છે અને ધ્વજ બદલે છે. માન્યતા છે કે જો એક દિવસ પણ આ વિધિ અટકશે તો મંદિર 18 વર્ષ માટે બંધ થઈ જશે.
દરિયાના મોજાઓનો અવાજ અદૃશ્ય
સિંહદ્વારથી મંદિરમાં પ્રવેશતા જ એક અનુભવ થાય છે – દરિયાના મોજાઓનો અવાજ અચાનક ગાયબ થઈ જાય છે. મંદિરની બહાર દરિયો ગર્જતો સાંભળાય છે, પરંતુ અંદર પ્રવેશતા જ શાંતિ છવાઈ જાય છે.