મુંબઈના મીરા રોડ વિસ્તારમાં બનેલી ચાકૂ હુમલાની ઘટના હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહી છે. બે સિક્યોરિટી ગાર્ડ્સ પર હુમલો કરનાર આરોપી જૈબ જુબેર અન્સારી અંગે પોલીસ અને એન્ટી ટેરર એજન્સીઓએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી 2019 માં અમેરિકાથી ભારત પરત આવ્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી કટ્ટરપંથી વિચારો સાથે જોડાયેલા ઓનલાઈન કન્ટેન્ટ જોતો હોવાના પુરાવા મળ્યા છે.
આ કેસની ગંભીરતા અને સંવેદનશીલતા જોતા Maharashtra Anti-Terrorism Squad (ATS)એ તપાસ પોતાની હાથે લઈ લીધી છે. પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ, આરોપીને સીસીટીવી ફૂટેજના આધારે માત્ર 90 મિનિટમાં જ પકડી લેવામાં આવ્યો હતો, જે કાયદો-વ્યવસ્થાની ઝડપી કામગીરી દર્શાવે છે.
આરોપીનો પૃષ્ઠભૂમિ અને તપાસના તાર
તપાસમાં સામે આવ્યું છે કે જૈબ અન્સારીનો જન્મ મુંબઈના કુર્લા વિસ્તારમાં થયો હતો, પરંતુ બાદમાં તેનો પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો. ત્યાં અભ્યાસ કર્યા બાદ તે 2019 માં ભારત પરત આવ્યો અને મીરા રોડના નયનગર વિસ્તારમાં એકલો રહેતો હતો. તેનો પરિવાર હાલ પણ અમેરિકા જ રહે છે.
તપાસ એજન્સીઓએ આરોપીના મોબાઈલ ફોનમાંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને વીડિયો મળ્યા છે, જેમાં ISIS સંબંધિત સામગ્રીનો સમાવેશ થાય છે. હાલ એજન્સીઓ તપાસ કરી રહી છે કે શું તે કોઈ ‘લોન વુલ્ફ’ પ્રકારના હુમલાની તૈયારી કરી રહ્યો હતો કે પછી સંપૂર્ણપણે સ્વયં પ્રેરિત રીતે રેડિકલાઈઝ થયો હતો.
શિક્ષકથી આરોપી સુધીનો સફર
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી એક શિક્ષિત વ્યક્તિ હતો. તે થોડા મહિના પહેલા સુધી કોચિંગ સેન્ટરમાં કેમિસ્ટ્રી અને ગણિત ભણાવતો હતો. અંદાજે ત્રણથી ચાર મહિના પહેલા તેણે આ કામ છોડી દીધું હતું. તેની આસપાસના લોકો કે પાડોશીઓને તેના આવા વિચારો અંગે કોઈ શંકા પણ નહોતી.
મકાનમાલિકે પણ તેને 5 મે સુધી ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી. હવે તપાસ એજન્સીઓ તેના જૂના સંપર્કો, મિત્રો અને કોચિંગ સેન્ટર સાથે જોડાયેલા લોકો પાસેથી માહિતી એકત્ર કરી રહી છે, જેથી તેના વર્તન અને બદલાવના કારણો સમજાઈ શકે.
હુમલાની ઘટના અને હાલત
ઘટના સોમવારે વહેલી સવારે બની હતી, જ્યારે આરોપીએ બે સિક્યોરિટી ગાર્ડ્સ (રાજકુમાર મિશ્રા અને સુબ્રતો સેન) ને તેમના નામ અને ધર્મ વિશે પૂછ્યું હતું. ત્યારબાદ તેણે તેમને કલમા પાઠ કરવા કહ્યું. જ્યારે તેઓ તે કરી શક્યા નહીં, ત્યારે આરોપીએ ચાકૂ વડે હુમલો કર્યો. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલ 2025 માં થયેલા પહલગામ હુમલા જેવો જ છે, તેમા પણ આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળી મારી હતી.
હુમલામાં ઘાયલ થયેલા રાજકુમાર મિશ્રાની હાલત ગંભીર છે, જ્યારે સુબ્રતો સેનનું સારવાર હેઠળ છે. પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ દાખલ કર્યા છે.
તપાસમાં ઊંડાણ અને એજન્સીઓની ભૂમિકા
આ કેસની તપાસ પર રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ નજર રાખી રહ્યા છે. સાથે સાથે, ATS દ્વારા આરોપીના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને વિદેશી સંપર્કોની પણ તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીઓ એ પણ તપાસી રહી છે કે શું આરોપી કોઈ વિદેશી હેન્ડલર સાથે જોડાયેલો હતો કે માત્ર ઈન્ટરનેટ દ્વારા પ્રભાવિત થયો હતો.
રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ આ ઘટનાને ‘સેલ્ફ રેડિકલાઈઝેશન’નો કેસ ગણાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, પુસ્તકો, સાહિત્ય અને ઈન્ટરનેટના અતિરેક ઉપયોગથી આરોપી કટ્ટરપંથી વિચારો તરફ વળ્યો હતો.
આ પણ વાંચો: ઇન્દોર હનીમૂન હત્યા કેસમાં મોટો ટ્વિસ્ટ! : સોનમ રઘુવંશીને મળ્યા જામીન, 10 મહિના પછી જેલમાંથી આવશે બહાર
અફવાઓથી દૂર રહેવાની અપીલ
મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ દ્વારા જનતાને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. પોલીસે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
તપાસ એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસ ખૂબ સંવેદનશીલ છે અને સત્તાવાર માહિતી સિવાય કોઈપણ અપ્રમાણિત દાવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.





