Home Gujarat Minister Jitu Vaghani Statement On The Decision Taken In The Cabinet Meeting

'મુખ્યમંત્રી અને DyCM દિલ્હી જશે અને...' : કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા અને લેવાયેલા નિર્ણય મામલે મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન

'મુખ્યમંત્રી અને DyCM દિલ્હી જશે અને...'
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 09:43 AM IST

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતું વાઘાણીએ મીડિયાને સંબોધન કરી કેબિનેટ બેઠક તેમજ તાજેતરના વિવિધ કાર્યક્રમો અને વિકાસકાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ અંતર્ગત યોજાયેલી શૌર્ય યાત્રા અને શૌર્ય સભાનું આયોજન અત્યંત અદભૂત રહ્યું હતું. કાર્યક્રમનું આયોજન વિશાળ હતું. આ કાર્યક્રમ દ્વારા સોમનાથનો ગૌરવશાળી ઈતિહાસ દેશના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવ્યો છે.

'આ પર્વને લઈને વધુ આયોજન કરશે'

જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી અને DyCM દિલ્હી જઈ આ પર્વને લઈને વધુ આયોજન કરશે. સોમનાથ સ્વાભિમાન પર્વ આખું વર્ષ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિકાસકાર્યો અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનલ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સાથે સાથે મહાત્મા મંદિર સુધીના મેટ્રો પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનનો આ પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું.

'ગેસ અને ઊર્જા ક્ષેત્રે મહત્વના MOU કરવામાં આવ્યા'

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે કુલ 5,492 પ્રોજેક્ટ માટે MOU કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે નવી નીતિઓ શરૂ કરવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને પાવર, ગેસ અને ઊર્જા ક્ષેત્રે મહત્વના MOU કરવામાં આવ્યા છે. કચ્છમાં 99 પ્રોજેક્ટ સાથે ચાર લાખ કરોડ રૂપિયાથી વધુના MOU થયા હોવાનું પણ તેમણે જણાવ્યું. આ તમામ વિકાસકાર્યોનો રોડમેપ વર્ષ 2030 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

કલેક્ટરોની બેઠકો કેમ બોલાવી હતી?

આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ અંગે કલેક્ટરોની બેઠક યોજાઈ હોવાનું પણ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું. તેમણે કહ્યું કે તમામ યોજનાઓ કલેક્ટરના અંડરમાં આયોજનબદ્ધ રીતે ચાલે છે. કોઈ નાની મોટી ત્રુટિ રહી ન જાય અને રાજ્યના નાણાં ઝડપથી અને યોગ્ય રીતે વપરાય તે માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

ધારાસભ્યોના પત્ર મામલે શું કહ્યું?

વડોદરાના પાંચ ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆતના પત્ર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જીતું વાઘાણીએ જણાવ્યું કે ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવી સ્વાભાવિક બાબત છે. સરકારની ફરજ છે કે તે મુશ્કેલીઓ દૂર કરે. કોઈ પણ ધારાસભ્યની રજૂઆત આવકારદાયક હોય છે અને મુખ્યમંત્રી તે બાબતોને ધ્યાનમાં લઈ યોગ્ય નિકાલ પણ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now