Arjun Modhwadia statement: રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયાએ કમોસમી વરસાદ અને પાડલીયા–અંબાજી ઘટનાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ સંદર્ભે રાજ્ય સરકારે વાવ, થરાદ સહિતના જિલ્લાઓના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, જે દેશભરમાં સૌપ્રથમ વખત એટલું મોટું છે'.
'17 હજાર ગામોના ખેડૂતોને લાભ મળ્યો'
મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ આ રાહત પેકેજથી રાજ્યના અંદાજે 17 હજાર ગામોના ખેડૂતોને લાભ મળ્યો છે. એક હેક્ટર દીઠ 22,000 રૂપિયા અને એક ખેડૂત દીઠ મહત્તમ 44,000 રૂપિયાની સહાય નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 27 લાખ 99 હજાર 446 ખેડૂતોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જેમાંથી 22 લાખ 91 હજાર ખેડૂતોને 6 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું જણાવ્યું છે.
'ટૂંકા ગાળામાં 8,798 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાયા'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'રાજ્યમાં સૌથી વધુ મગફળી, સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. કુલ 15 હજાર કરોડ રૂપિયાની જણસોની ખરીદી કરાઈ છે, જેમાંથી 3,468 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ ચૂકી છે. ટૂંકા ગાળામાં 8,798 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે, જ્યારે ખરીદી અને રાહત પેટે કુલ મળીને આશરે 26 હજાર કરોડ રૂપિયાની માતબર રકમ ચૂકવવામાં આવી છે'.
'આદિવાસી ભાઈઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી'
આ ઉપરાંત, મંત્રી અર્જુન મોઢવાડિયાએ પાડલીયા હુમલા મામલે અને અંબાજી પાસે બનેલી આદિવાસી સંબંધિત ઘટનાને લઈને પણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં વન વિભાગ અને પોલીસના કેટલાક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આ બનાવ અંબાજી નજીકના એક ગામમાં બન્યો હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું. મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું કે, આ મામલે કોઈએ અરજી કરી નથી. સરકારના જુદા જુદા પ્રકલ્પોના ભાગરૂપે વાવેતરની કામગીરી ચાલી રહી હતી, ત્યારે વન વિભાગને રોકવામાં આવ્યા અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય આદિવાસી ભાઈઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.





















