Home Gujarat Kadi Lawyer Office Attack Mehsana Crime News

મહેસાણામાં વકીલની ઓફિસમાં ફિલ્મી સ્ટાઈલમાં હુમલો : અસામાજિકતત્વોએ ધોકા-છરા સાથે મચાવ્યો આતંક

તોડફોડ થતા ફૂટેલા કાચની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 02, 2026, 06:37 AM IST

મહેસાણા: મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કોર્ટ નજીક આવેલી એક વકીલની ઓફિસમાં ધોળે દિવસે કેટલાક અજાણ્યા શખ્સોએ ઘૂસીને ભારે તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ ઓફિસમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં ઓફિસને અંદાજે રૂ. 30 હજારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવ અંગે કડી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ કડી કોર્ટ સામે આવેલા સ્ટાર એવન્યુ કોમ્પ્લેક્ષમાં આવેલી વકીલ મોનિલકુમાર પરમારની ઓફિસમાં બપોરના સમયે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. હુમલાખોરો ધોકા અને છરા જેવા જીવલેણ હથિયારો સાથે આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઓફિસમાં પ્રવેશતાની સાથે જ તેમણે ભારે તોડફોડ શરૂ કરી હતી અને કાચ સહિતની મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું.

ઓફિસમાં ઘૂસી મચાવ્યો આતંક

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ હુમલાખોરોએ ઓફિસમાં ઘૂસીને બિભત્સ ગાળો બોલી દહેશત ફેલાવી હતી. અચાનક બનેલી ઘટનાના કારણે આસપાસના વેપારીઓ અને કોમ્પ્લેક્ષમાં હાજર લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. હુમલાખોરોનો મુખ્ય ઈરાદો માત્ર તોડફોડ કરવાનો હતો કે કોઈ વ્યક્તિ પર હુમલો કરવાનો હતો, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ ઓફિસના કાચ અને અન્ય સામાનને નુકસાન પહોંચાડતાં અંદાજે રૂ. 30 હજાર જેટલી નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: મહેસાણામાં ધોરણ 7ની વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી : મોતનું કારણ અકબંધ

સફેદ અર્ટીકા કારમાં આવ્યા હતા હુમલાખોરો

ઘટના બાદ સામે આવેલી વિગતો અનુસાર તમામ આરોપીઓ સફેદ રંગની અર્ટીકા કાર (GJ-02-EK-3704)માં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટના અંજામ આપ્યા બાદ તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે વાહન નંબરના આધારે તેમજ આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ અધિકારીઓ હુમલાખોરોની ઓળખ, તેમની અવરજવર અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગર લોકસભાને હરિયાળી બનાવવાનો મેગા પ્લાન : એક જ દિવસમાં વવાશે 1 કરોડ વૃક્ષો, અમિત શાહ કરાવશે અભિયાનનો પ્રારંભ

કડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. વકીલ મોનિલકુમાર પરમારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો, આરોપીઓના સંભવિત હેતુ અને અગાઉ કોઈ વિવાદ હતો કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. સાથે જ હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: સુરત, વડોદરા, રાજકોટ બાદ હવે બન્યા અમદાવાદના પોલીસ કમિશનર : ગુજરાતના 4 મોટા શહેરોમાં પોસ્ટિંગ મેળવનાર પ્રથમ IPS બન્યા અનુપમસિંહ ગેહલોત

કોર્ટ વિસ્તારની સુરક્ષા સામે પ્રશ્નો

કોર્ટ સામે આવેલા કોમ્પ્લેક્ષમાં દિવસના સમયે આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થયા છે. કોર્ટ વિસ્તાર સામાન્ય રીતે લોકોની અવરજવરથી ધમધમતો રહે છે, ત્યારે આવા સંવેદનશીલ વિસ્તારમાં હથિયારો સાથે ઘૂસીને તોડફોડની ઘટના બનવી ગંભીર માનવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ઘટનામાં સામેલ તમામ આરોપીઓને ઝડપથી ઓળખી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now