Meta Plus Subscription : જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વૉટ્સએપના દિવાના છો, તો તમારા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની મેટા હવે માત્ર જાહેરાતો (Ads) ની કમાણી પર નિર્ભર રહેવા માંગતી નથી. કંપનીએ વૈશ્વિક સ્તરે અને ભારતમાં પોતાના યુઝર્સ માટે નવી પેઇડ સબસ્ક્રિપ્શન યોજનાઓ જાહેર કરી છે. મેટા હવે આ પોપ્યુલર એપ્સના પ્લસ (Plus) વર્ઝન લોન્ચ કરી રહી છે. આ પ્રીમિયમ વર્ઝનમાં પૈસા ચૂકવનારા યુઝર્સને એવા એડવાન્સ ફીચર્સ મળશે જે સામાન્ય યુઝર્સને વાપરવા નહીં મળે.
કેટલો ખર્ચ થશે (Subscription Price)
મેટા કંપનીએ હાલમાં વૈશ્વિક કિંમતો જાહેર કરી છે અને ભારત માટે સત્તાવાર કિંમતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વૈશ્વિક કિંમતો અનુસાર ઇન્સ્ટાગ્રામ પ્લસ (Instagram Plus) માટે દર મહિને $3.99 એટલે કે આશરે 387 રૂપિયા અને ફેસબુક પ્લસ (Facebook Plus) માટે પણ $3.99 એટલે કે આશરે 387 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે વૉટ્સએપ પ્લસ (WhatsApp Plus) માટે $2.99 એટલે કે આશરે 290 રૂપિયા પ્રતિ મહિનો ચાર્જ નક્કી કરાયો છે. અહીં એ નોંધવું મહત્વનું છે કે, આ નવું સબસ્ક્રિપ્શન 'મેટા વેરિફાઇડ' એટલે કે બ્લુ ટિક કરતાં તદ્દન અલગ છે અને બ્લુ ટિક માટેના ચાર્જ અલગથી ચાલુ રહેશે.
ભારત માટે ખાસ ઓફર (WhatsApp Plus India)
ભારતમાં મેટા દ્વારા વોટ્સએપ પ્લસ (WhatsApp Plus) નામની વૈકલ્પિક પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય યુઝર્સને આકર્ષવા માટે કંપની હાલમાં એક મહિનાનું ફ્રી ટ્રાયલ આપી રહી છે. આ ટ્રાયલ પિરિયડ પૂરો થયા બાદ જો યુઝર્સ આ પ્રીમિયમ સેવા ચાલુ રાખવા માંગે છે, તો તેમણે દર મહિને માત્ર 79 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
ઇન્સ્ટાગ્રામ પ્લસના ફીચર્સ (Instagram Plus Features)
રિપોર્ટ્સ અનુસાર, પૈસા ચૂકવનારા યુઝર્સને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં જબરદસ્ત પ્રાઇવસી ફીચર્સ મળવાના છે. હવે તમે કોઈની પણ સ્ટોરી તેના વ્યુઅર લિસ્ટમાં આવ્યા વગર સિક્રેટલી જોઈ શકશો. આ સિવાય તમારી સ્ટોરી કયા યુઝરે કેટલી વાર 'રીવોચ' એટલે કે ફરીથી જોઈ છે તે પણ જાણી શકાશે. યુઝર્સ ક્લોઝ ફ્રેન્ડ્સ સિવાય પણ સ્ટોરીઝ માટે અનલિમિટેડ ઓડિયન્સ લિસ્ટ બનાવી શકશે. પ્લસ યુઝર્સ પોતાની સ્ટોરીઝને 24 કલાકથી વધુ સમય માટે રાખી શકશે અને અઠવાડિયામાં એક સ્ટોરીને સ્પેશિયલ હાઇલાઇટ કરી શકશે. સાથે જ પ્રોફાઇલ બાયો માટે ખાસ ફોન્ટ્સ, કસ્ટમ એપ આઇકોન અને એનિમેટેડ સુપર હાર્ટ રિએક્શન જેવા મનોરંજક ટૂલ્સ પણ મળશે.
વોટ્સએપ પ્લસમાં શું નવું હશે (WhatsApp Plus Features)
વૉટ્સએપના પેઇડ યુઝર્સને મેસેજિંગ પર્સનલાઇઝેશનના શાનદાર ટૂલ્સ આપવામાં આવશે. આ ફીચર અંતર્ગત યુઝર્સ પોતાના વૉટ્સએપમાં કસ્ટમ થીમ્સ સેટ કરી શકશે. આ ઉપરાંત સ્પેશિયલ રિંગટોન અને પ્રીમિયમ સ્ટિકર્સનો એક્સેસ પણ મળશે. ચેટ મેનેજમેન્ટને સરળ બનાવવા માટે મુખ્ય ચેટ લિસ્ટમાં વધારાની ચેટ્સ પિન (Pin) કરવાની અને એડવાન્સ કસ્ટમાઇઝેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
WhatsApp લાવ્યું Snapchat જેવું જોરદાર પ્રાઇવસી ફીચર: હવે વાંચ્યા પછી મેસેજ આપોઆપ ગાયબ થશે, જાણો કઈ રીતે કામ કરશે આ ફીચર
મેટા વન પ્લાન્સ (Meta One AI Plans)
મેટાએ માત્ર સોશિયલ મીડિયા એપ્સ જ નહીં, પણ AI યુઝર્સ, ક્રેડિટર્સ અને બિઝનેસ માટે પણ "Meta One" પ્લાન્સ લોન્ચ કર્યા છે. જે લોકો મેટા એઆઈનો બહુ વધારે ઉપયોગ કરે છે તેમણે હવે પેઇડ પ્લાન લેવા પડશે. જેમાં Meta One Plus પ્લાન દર મહિને $7.99 (આશરે 775 રૂપિયા) માં મળશે. જ્યારે ખૂબ જ ઊંચી યુઝેજ લિમિટ ધરાવતો Meta One Premium પ્લાન $19.99 (આશરે 1,939 રૂપિયા) પ્રતિ મહિને મળશે. સામાન્ય યુઝર્સ માટે Meta AI ચેટબોટ તદ્દન ફ્રી રહેશે, પરંતુ હેવી યુઝર્સ માટે લિમિટ આવી જશે.
બિઝનેસ અને ક્રેએટર્સને ફાયદો (Creators and Business Plans)
નાના વેપારીઓ અને કન્ટેન્ટ ક્રેએટર્સ માટે કંપની બે ખાસ પ્લાન લાવી છે. પહેલો Meta One Essential પ્લાન $14.99 (આશરે 1,454 રૂપિયા મહિનાના) નો છે, જેમાં પ્રોફાઇલ પ્રોટેક્શન અને એન્હાન્સ્ડ પ્રોફાઇલ લિંક્સ મળશે. બીજો Meta One Advanced પ્લાન $49.99 (આશરે 4,849 રૂપિયા મહિનાના) નો છે, જેમાં રીલ્સ પર મોટું 'Follow' બટન, ફેસબુક ફીડ અને સર્ચમાં પ્રાયોરિટી (વધુ રીચ) મળશે. સૌથી મહત્વનું એ છે કે આમાં લાઇવ હ્યુમન કસ્ટમર સપોર્ટ મળશે, જેની નાના વેપારીઓ વર્ષોથી રાહ જોતાં હતા. આ ઉપરાંત જો કોઈ તમારી કન્ટેન્ટ ક્રેડિટ આપ્યા વગર રીપોસ્ટ કરશે તો મેટા તમને તુરંત એલર્ટ પણ મોકલશે.
શા માટે લેવાયો આ નિર્ણય (Why Meta Charged)
મેટાના પ્રોડક્ટ હેડ નાઓમી ગ્લેઇટ અને સબસ્ક્રિપ્શન હેડ હેલન માના જણાવ્યા અનુસાર, કંપનીનો મુખ્ય હેતુ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજી પાછળ થતો અબજો ડોલરનો ખર્ચ રિકવર કરવાનો છે. આ સાથે કંપની યુઝર્સને પોતાના ઇકોસિસ્ટમમાં વધુ પ્રીમિયમ અનુભવ આપવા માંગે છે. શરૂઆતના તબક્કામાં આ AI સબસ્ક્રિપ્શન સિંગાપોર, ગ્વાટેમાલા અને બોલિવિયામાં લોન્ચ થઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં ભારતમાં પણ લાઇવ કરવામાં આવશે. જોકે, અલગ અલગ દેશોની આર્થિક સ્થિતિ મુજબ તેની કિંમતોમાં થોડો ફેરફાર હોઈ શકે છે.





