Home Tech/Gadgets Meta Ai Instagram Account Hack Prompt Injection

માત્ર AI સાથે વાત કરીને 20,000 Instagram એકાઉન્ટ હેક! : Meta ની ખામીએ વધારી ચિંતા

Instagram Account hack
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 08, 2026, 08:54 AM IST

Meta AI : આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. તે આપણું કામ જેટલું સરળ અને ઝડપી બનાવી રહ્યું છે, તેટલું જ તે નવી મુશ્કેલીઓ અને આર્થિક-માનસિક નુકસાનનું કારણ પણ બની રહ્યું છે. તાજેતરમાં જ ટેકનોલોજીની દુનિયામાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હેકર્સે ડિજિટલ દુનિયામાં એક નવો તરખાટ મચાવ્યો છે, જેમાં 20,000 થી વધુ લોકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એકસાથે હેક કરી લેવામાં આવ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ વખતે હેકર્સે કોઈ ત્રાહિત (થર્ડ પાર્ટી) સોફ્ટવેરનો ઉપયોગ નથી કર્યો, પરંતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા (Meta) ના પોતાના જ સત્તાવાર AI ચેટબોટનો ઉપયોગ કરીને આ આખો ખેલ ખેલ્યો છે. આ અણધાર્યા સાયબર હુમલાએ સમગ્ર વિશ્વના સોશિયલ મીડિયા યુઝર્સ અને સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે.

મેટાની પોતાની ટેકનોલોજી જ બની ગઈ વિલન

આ સાયબર એટેક ડિજિટલ ઇતિહાસના સૌથી અનોખા હુમલાઓમાંથી એક માનવામાં આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ એ વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંનું એક છે, જેના પર રોજ કરોડો લોકો એક્ટિવ રહે છે. આ પ્લેટફોર્મને વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનાવવા માટે મેટા કંપનીએ તેમાં પોતાની AI સિસ્ટમ ઇન્ટીગ્રેટ કરી હતી. પરંતુ, મેટા કંપનીએ પોતે હવે સત્તાવાર રીતે સ્વીકારવું પડ્યું છે કે તેમની જ આ એડવાન્સ AI સિસ્ટમમાં એક મોટી સુરક્ષા ખામી (Vulnerability) રહી ગઈ હતી. હેકર્સે ખૂબ જ ચતુરતાથી આ આંતરિક નબળાઈનો પતો લગાવી લીધો અને તેનો ફાયદો ઉઠાવીને હજારો યૂઝર્સની પ્રોફાઇલ અને પર્સનલ ડેટા સુધી પોતાની મજબૂત પહોંચ બનાવી લીધી. આ કોઈ સામાન્ય હેકિંગની ઘટના નથી જ્યાં કોઈ યુઝરનો પાસવર્ડ ચોરાયો હોય કે કોઈ ફેક લિંક મોકલીને છેતરપિંડી કરવામાં આવી હોય, અહીં સીધું સિસ્ટમના મૂળ પર જ હુમલો કરવામાં આવ્યો હતો.

200mp કેમેરા અને AI ફીચર્સ સાથે Vivo ફોલ્ડેબલ માર્કેટમાં મચાવશે ધૂમ!: જાણો Vivo X Fold 6 ના સુપરફાસ્ટ પરફોર્મન્સ વિશે

AI ને વાતોમાં ભોળવીને મેળવ્યો સેન્સિટિવ ડેટા

આ હુમલાની પદ્ધતિ પરંપરાગત હેકિંગ કરતાં સાવ અલગ છે. સામાન્ય રીતે હેકર્સ સિસ્ટમમાં ઘૂસવા માટે અઘરા કોડિંગ તોડે છે અથવા વાયરસ મોકલે છે. પરંતુ આ કેસમાં, હેકર્સે સિસ્ટમનો કોઈ કોડ તોડ્યો નથી, પણ મેટા AI ચેટબોટ સિસ્ટમને જ વાતોમાં ભોળવીને તેને છેતરી લીધી છે. ટેકનિકલ ભાષામાં આ પ્રકારના હુમલાને 'AI મેનિપ્યુલેશન' અથવા 'પ્રોમ્પ્ટ ઇન્જેક્શન' કહેવામાં આવે છે. હેકર્સે AI ચેટબોટને એવા પ્રશ્નો પૂછ્યા અને એવા ચતુર આદેશો (Commands) આપ્યા કે AI ની સુરક્ષા સિસ્ટમ કન્ફ્યુઝ થઈ ગઈ. પરિણામે, મશીને અજાણતામાં જ યુઝર્સના એકાઉન્ટની અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતે જ હેકર્સને સોંપી દીધી. સરળ શબ્દોમાં કહીએ તો, અહીં ગુનો કરવા માટે કોઈ ડિજિટલ તાળું તોડવામાં નથી આવ્યું, પણ ચોરોએ ઘરના ચોકીદારને જ વાતોમાં ભોળવીને ચાવી મેળવી લીધી છે.

હાઈ પ્રોફાઈલ લોકોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર પહોંચ્યો

આ ભયાનક ડિજિટલ હુમલાનો ભોગ માત્ર સામાન્ય યુઝર્સ જ નથી બન્યા, પરંતુ તેમાં સેંકડો હાઈ-profile એટલે કે સેલિબ્રિટીઝ, બિઝનેસમેન અને મોટા પ્રભાવશાળી (Influencers) લોકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પણ સામેલ છે. હેકર્સે આ સેન્સિટિવ એકાઉન્ટ્સનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો છે. એટલું જ નહીં, અહેવાલો અનુસાર હેકર્સે આ એકાઉન્ટ્સમાંથી પર્સનલ ફોટા, ચેટ્સ, ઈમેલ આઈડી અને ફોન નંબર્સ જેવો ખાનગી ડેટા ચોરી કરીને તેને ઇન્ટરનેટની કાળી દુનિયા ગણાતા 'ડાર્ક વેબ' (Dark Web) પર મોંઘા ભાવે વેચાણ માટે મૂકી દીધો છે. આ ઘટનાએ એ સાબિત કરી દીધું છે કે ઓનલાઈન દુનિયામાં અત્યારે કોઈ પણ વ્યક્તિનો પર્સનલ ડેટા સંપૂર્ણ સુરક્ષિત નથી, ભલે તે ગમે તેટલી મોટી કંપનીની સુરક્ષા હેઠળ કેમ ન હોય.

શું હવે Instagram ફ્રીમાં વાપરવા નહીં મળે?: Metaના નવા Plus પ્લાનથી જાણો તમને શું મળશે

ઇન્સ્ટાગ્રામ દ્વારા યુઝર્સને સેફ્ટી એલર્ટ અને સોલ્યુશન

આટલી મોટી સુરક્ષા ખામી અને ડેટા લીક સામે આવ્યા પછી, ઇન્સ્ટાગ્રામ મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવવું પડ્યું છે. કંપનીએ પ્રભાવિત થયેલા અને શંકાસ્પદ લાગતા તમામ યુઝર્સને તાત્કાલિક ધોરણે સુરક્ષા સૂચનાઓ (Security Alerts) મોકલવાની શરૂઆત કરી દીધી છે. કંપની દ્વારા યુઝર્સને તેમનો લોગિન પાસવર્ડ તાત્કાલિક બદલી નાખવા અને એકાઉન્ટમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સિસ્ટમ ફરજિયાતપણે ચાલુ કરવાની કડક સલાહ આપવામાં આવી રહી છે. જોકે, સાયબર સિક્યોરિટી નિષ્ણાતોનું માનવું છે કે, જો ખામી કંપનીના પોતાના સર્વર કે સિસ્ટમ લેવલ પર જ હોય, તો માત્ર યુઝર દ્વારા પાસવર્ડ બદલવાથી ભવિષ્યના જોખમો કેટલા અટકશે તે કહેવું મુશ્કેલ છે, છતાં પણ સાવચેતીના ભાગરૂપે આ પગલાં લેવા ખૂબ જ જરૂરી છે.

ભવિષ્યની સાયબર સુરક્ષા માટે મોટો ખતરો

જોકે, મેટા કંપનીએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે આ ચોક્કસ ટેકનિકલ સમસ્યા અને ખામીને હવે સંપૂર્ણપણે ઠીક (Fix) કરી દેવામાં આવી છે અને હવે ચેટબોટ સુરક્ષિત છે. પરંતુ આ આખી ઘટનાએ ભવિષ્યની ટેકનોલોજી સામે બહુ મોટા સવાલો ઊભા કરી દીધા છે. અત્યાર સુધી દુનિયાભરની ટેક કંપનીઓ AI ને ભવિષ્યની સૌથી સુરક્ષિત અને સ્માર્ટ સિસ્ટમ ગણાવીને પ્રમોટ કરી રહી હતી, પણ હવે એ જ AI હેકર્સનું નવું હથિયાર બની રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. જો ભવિષ્યમાં પણ સાયબર ગુનેગારો AI ને આ જ રીતે પોતાના ઈશારે નચાવવામાં અથવા ભટકાવવામાં સફળ રહેશે, તો કરોડો લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને બેંકિંગ ડેટા એક સિંગલ ક્લિક પર જોખમમાં આવી શકે છે. ટેક ઉદ્યોગે હવે માત્ર AI ને વધુ સ્માર્ટ બનાવવાને બદલે તેને હેક-પ્રૂફ બનાવવા પર વધુ ધ્યાન આપવું પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now