Home Gujarat Mehsana Smc Liquor Cutting Racket Raid 40 Lakh Seizure

મહેસાણામાં દારૂ કટિંગ સમયે SMCની રેડ : 40 લાખનાં મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા

ઝડપાયેલા આરોપીઓની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 20, 2026, 10:43 AM IST

ગુજરાતમાં પ્રોહિબિશન કાયદો હોવા છતાં ગેરકાયદે દારૂના વેપારના જાળાં સતત ફેલાતા રહે છે. મહેસાણા જિલ્લામાં તાજેતરમાં SMC (સ્પેશિયલ મોનીટરીંગ સેલ)એર રેડ કરી દારૂ કટિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCએ 3 આરોપીને ઝડપી પાડ્યા છે.

છઠિયારડા ગામે SMCની રેડ

19 એપ્રિલ 2026ના રોજ મહેસાણા તાલુકાના છઠિયારડા ગામે આવેલ એક ફાર્મહાઉસ પર SMCની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી. આ ફાર્મહાઉસ નુમાનખાન અયુબખાન પઠાણના નામે હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે 5074 ગેરકાયદેસર IMFL બોટલો જપ્ત કરી હતી જેની બજાર કિંમત અંદાજે 18.03 લાખ રૂપિયા ગણવામાં આવી છે.

40 લાખથી વધુનો મુદ્દામાલ

દારૂ સિવાય પોલીસે આ કાર્યવાહી દરમિયાન અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ પણ જપ્ત કરી છે. જેમાં બે વાહનો સામેલ છે જેની કુલ કિંમત લગભગ 22 લાખ રૂપિયા છે. આ વાહનોનો ઉપયોગ દારૂની હેરફેર માટે થતો હોવાનું અનુમાન છે. આ ઉપરાંત, બે મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. આ તમામ મુદ્દામાલ મળી કુલ કિંમત આશરે 40.08 લાખ રૂપિયા થાય છે.

આ પણ વાંચો: ચૂંટણી પૂર્વે ગુજરાત પોલીસ એક્શન મોડમાં : રાજકોટ ગ્રામ્યમાં SMCનો સપાટો, 11.56 લાખનો દારૂ જપ્ત

3 આરોપી ઝડપાયા હજુ 7 ફરાર

SMCની ટીમે આ દરોડા દરમિયાન 3 આરોપીને સ્થળ ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ રેકેટમાં કુલ 10 લોકો સંડોવાયેલા છે. જેમાંથી સાત આરોપીઓ હજુ સુધી ફરાર છે. મુખ્ય આરોપી તરીકે આનંદ રાવલનું નામ સામે આવ્યું છે, જે આ સમગ્ર કટિંગ રેકેટનું સંચાલન કરતો હોવાનો શંકા છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને શોધખોળ તેજ કરી છે.

આ મામલે પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે જપ્ત થયેલા મોબાઈલ ફોન અને અન્ય પુરાવાના આધારે આ નેટવર્કના તાર શોધવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ દરમિયાન આ રેકેટના અન્ય શહેરો સાથેના જોડાણો પણ બહાર આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now