Home Gujarat Banaskantha Child Kidnapping Trafficking Syndicate Busted

બનાસકાંઠામાં બાળ અપહરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ : આરોપીઓ 4 રાજ્યમાં વોન્ટેડ

બાળ અપહરણ કેસમાં ઝડપાયેલા આરોપીઓની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 20, 2026, 12:20 PM IST

બનાસકાંઠાના અંબાજી-પાલનપુર હાઈવે પર થયેલા બાળકના અપહરણ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં સામાન્ય અપહરણ લાગી રહેલો આ કેસ હવે આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા સિન્ડિકેટ સુધી પહોંચી ગયો છે. અલગ-અલગ વિસ્તારોમાંથી બાળકોનું અપહરણ કરીને તેમને વેચાણ માટે અન્ય રાજ્યોમાં મોકલતું હતું. આ કેસમાં અત્યાર સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

અપહરણથી વેચાણ સુધીનું નેટવર્ક

તપાસમાં ખુલ્યું છે કે અપહરણ કરાયેલા બાળકનો સોદો પહેલેથી જ નક્કી કરવામાં આવ્યો હતો અને તેને તેલંગાણા લઈ જવાની તૈયારી ચાલી રહી હતી. આથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ માત્ર અપહરણ જ નહીં, પરંતુ ગોઠવાયેલા રીતે બાળકોની ખરીદી-વેચાણમાં સંકળાયેલા હતા. પોલીસે વડોદરાથી એક મહત્વપૂર્ણ આરોપીને ઝડપી પાડ્યો છે, જે આ સમગ્ર નેટવર્કમાં કડીરૂપે કામ કરતો હતો. આ ધરપકડથી તપાસને નવી દિશા મળી છે અને વધુ ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુખ્ય આરોપી છે ‘મુરઘન’

આ કેસમાં તેલંગાણાના મુરઘન નામના આરોપીનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, મુરઘન અગાઉ પણ અનેક બાળ અપહરણ અને વેચાણના કેસોમાં સંકળાયેલો છે. ચોંકાવનારી વાત એ છે કે મુરઘને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 બાળકોનું અપહરણ કરીને તેમને વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. મુરઘન અને તેની પત્ની સામે પણ બાળ તસ્કરીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વધુમાં, તેની માતા પણ તેલંગાણાની જેલમાં બાળ અપહરણ કેસમાં સજા ભોગવી રહી છે, જે દર્શાવે છે કે આ ગેંગમાં પરિવાર સ્તરે જ ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલી રહી હતી.

આરોપી 4 રાજ્યોમાં વોન્ટેડ

ઝડપાયેલાં આરોપીઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના 4 અલગ અલગ રાજ્યોમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ ગેંગના અન્ય સભ્યોની શોધખોળમાં લાગી છે અને આશંકા છે કે હજુ વધુ બાળકોના અપહરણ અને વેચાણના કેસો સામે આવી શકે છે.

આ સમગ્ર કેસમાં દાંતા પોલીસ ફરિયાદી બની છે. પોલીસે ટેકનિકલ તથા મેદાની માહિતીનાં આધારે આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ કેસમાં વધુ પૂછપરછ અને રિમાન્ડ દરમિયાન વધુ મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે જેનાથી સમગ્ર સિન્ડિકેટનો ભંડાફોડ થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now