Home Gujarat Mehsana Kadis Ranchhodpura Massive Fire Broke Out In Called Pratham Animal Care Company

મહેસાણાના કડીમાં જાણીતી કંપનીમાં ભીષણ આગ : ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી, કરોડોનો સામાન બળીને થયો ખાખ

મહેસાણાના કડીમાં જાણીતી કંપનીમાં ભીષણ આગ
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 04:18 AM IST

મહેસાણા: છેલ્લા કેટલાક સમયથી આગની અનેક ઘટના સામે આવી રહી છે. જેમાં કેટલાક કિસ્સામાં જીવ પણ ગયા છે. ત્યારે વધુ એક આગની ઘટના હાલ સામે આવી છે. મહેસાણાના કડી તાલુકામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રણછોડપુરા ગામની સીમમાં 'પ્રથમ એનિમલ કેર' નામની કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર,મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા રણછોડપુરા ગામની સીમમાં 'પ્રથમ એનિમલ કેર' નામની કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ કંપનીમાં પશુ આહારનું ઉત્પાદન થતું હતું. આગ લાગતાં કંપનીમાં રહેલો મોટાભાગનો માલસામાન અને યંત્રો બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.ઘટનાની જાણ થતાં જ કડી અને આસપાસના વિસ્તારમાંથી બે ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ કર્મીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ફાઈટર ટીમો તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી

ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જો કે, આગની તીવ્રતા એટલી હતી કે, લાંબા સમય સુધી ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યા હતા.સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કંપનીમાં કામ કરતા કર્મચારીઓ સમયસર બહાર નીકળી આવ્યા હતા, જેના કારણે મોટી અનર્થ ટળી છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અજ્ઞાત છે. શૉર્ટ સર્કિટ કે અન્ય કોઈ તકનીકી ખામીને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં વધુ વિગતો સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, આવી આગની ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બનતી રહે છે, જેમાં ફેક્ટરીઓમાં સુરક્ષા ધોરણોનું પાલન ન થવું મુખ્ય કારણ બની રહે છે. આ ઘટના પછી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આસપાસની ફેક્ટરીઓમાં સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ તાત્કાલિક કાર્યવાહીથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now