Home Gujarat Mehsana Kadi Food Oil Tanker Accident Road Oil Viral Video July 2026

રસ્તા પર વહી ગઈ તેલની નદી! : મહેસાણાના કડીમાં ખાદ્યતેલનું ટેન્કર પલટી ખાધું, રસ્તા પર વહેતા તેલ માટે ડબ્બા લઈને દોડી આવી ભીડ

Mehsana Oil Tanker Accident
Published by: Nirali Gohil
Last Updated: Jul 23, 2026, 07:10 AM IST

Mehsana Oil Tanker Accident: મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે એક અનોખો અકસ્માત સર્જાયો, જેના કારણે થોડા સમય માટે સમગ્ર વિસ્તારનું ધ્યાન ઘટનાસ્થળ તરફ ખેંચાઈ ગયું. ખાદ્યતેલથી ભરેલું એક વિશાળ ટેન્કર અચાનક પલટી ખાઈ જતાં મોટી માત્રામાં તેલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે થોડા જ સમયમાં રસ્તા પર ખાદ્યતેલની જાણે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. સામાન્ય રીતે અકસ્માત બાદ લોકો મદદ માટે દોડી આવતા હોય છે, પરંતુ આ ઘટનામાં અલગ જ દૃશ્ય જોવા મળ્યું. રસ્તા પર ઢોળાયેલું ખાદ્યતેલ જોઈ અનેક લોકો પોતાના ઘરેેથી ડબ્બા, બકેટ, કેન અને અન્ય વાસણો લઈને સ્થળ પર પહોંચ્યા હતા અને રસ્તા પર વહી રહેલું તેલ ભરીને લઈ જતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યા છે.

સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

પ્રાથમિક માહિતી અનુસાર ખાદ્યતેલ ભરેલું ટેન્કર કડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે ટેન્કર અચાનક રોડ પર પલટી ખાઈ ગયું. અકસ્માતમાં ટેન્કરનું ટાંકીવાળું ભાગ નુકસાનગ્રસ્ત થતાં અંદર ભરાયેલું ખાદ્યતેલ રસ્તા પર વહી નીકળ્યું હતું. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા.

આ પણ વાંચો: અમદાવાદમાં આકાશી આફત: કંટ્રોલરૂમથી નજર રાખે છે મેયર-મ્યુનિસિપલ કમિશ્નર : વાસણા બેરેજના 6 દરવાજા ખોલાયા, 8 અંડરપાસ બંધ, શહેરમાં 15 જગ્યાએ પાણી ભરાયા

રસ્તા પર ઢોળાયેલા તેલ માટે લોકોની ભીડ

ટેન્કરમાંથી મોટી માત્રામાં ખાદ્યતેલ બહાર આવતાં આસપાસના લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અનેક લોકો પોતાના સાથે ડબ્બા, કેન અને અન્ય વાસણો લઈને રસ્તા પર વહી રહેલું તેલ એકત્ર કરતા જોવા મળ્યા હતા.

ઘટનાસ્થળે થોડા સમય માટે એવી સ્થિતિ સર્જાઈ હતી કે જાણે મફતમાં ખાદ્યતેલનું વિતરણ થઈ રહ્યું હોય. લોકો વચ્ચે તેલ ભરવાની ઉતાવળ પણ જોવા મળી હતી, જેના કારણે રસ્તા પર ભીડ એકઠી થઈ ગઈ હતી.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

આ સમગ્ર ઘટનાના વીડિયો ઘટનાસ્થળે હાજર લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કર્યા હતા. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયા હતા. વીડિયોમાં રસ્તા પર વહેતું ખાદ્યતેલ અને તેને એકત્ર કરવા ઉમટી પડેલા લોકોના દૃશ્યો સ્પષ્ટ જોવા મળે છે. ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે. કેટલાક લોકો અકસ્માત બાદ સર્જાયેલી સ્થિતિને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો રસ્તા પર ઢોળાયેલું તેલ ભેગું કરવા ઉમટી પડેલી ભીડ અંગે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો: ભારે વરસાદ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની કાર્યકરોને અપીલ : 'સેવા હી સંગઠન'ના મંત્ર સાથે અસરગ્રસ્તોની મદદે આવો

અકસ્માત બાદ તપાસ શરૂ

અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની તપાસ સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર પલટી ખાધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, અકસ્માત પાછળનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી હાલ સુધી સામે આવી નથી. જોકે રસ્તા પર મોટી માત્રામાં તેલ ઢોળાતા વાહનચાલકો માટે લપસણો માહોલ સર્જાયો હતો, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માર્ગને સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now