Home Gujarat Mehsana Cable Theft Gang Arrest 37 Cases Detected

મહેસાણામાં કેબલ, ઘરફોડ અને મંદિર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ : LCB એ 37 ગુનાઓ ઉકેલી નાખ્યા

Mehsana News
Published by: Viral Patel
Last Updated: Apr 21, 2026, 02:00 PM IST

Mehsana News: મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેતરોમાં કેબલ ચોરી અને ઘરફોડ ચોરીના બનાવોએ માથાનો દુખાવો વધાર્યો હતો. આ ગુનાખોરી ડામવા માટે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે લાલ આંખ કરી છે. બાતમીના આધારે પોલીસે એક રીઢા ગુનેગારોની ગેંગને દબોચી લઈ કુલ ૩૭ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

ખેતરો અને મંદિરોને બનાવતા હતા નિશાન

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગેંગ ખાસ કરીને રાત્રિના અંધકારનો લાભ લઈ ખેતરોમાં આવેલા બોર પરથી કિંમતી કેબલ વાયર કાપીને ચોરી જતી હતી. આટલું જ નહીં, તેઓએ રહેણાંક મકાનોમાં ઘરફોડ ચોરી અને પવિત્ર મંદિરોમાં પણ હાથફેરો કરી તરખાટ મચાવ્યો હતો. મહેસાણા જિલ્લાના મોઢેરા, ઊંઝા અને ઉનાવા સહિતના પંથકમાં આ ટોળકીએ અનેક ચોરીઓને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: ભચાઉના વોન્ધ ગામમાં દિનદહાડે ફાયરિંગ : આડા સંબંધની શંકામાં વૃદ્ધની કરપીણ હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

બે આરોપીઓની ધરપકડ, રૂ. ૫.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત

એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જલાલ સીન્ધી અને વિજય દેવીપૂજકનો સમાવેશ થાય છે. પોલીસે આ આરોપીઓ પાસેથી અંદાજે ૫,૭૩,૩૨૦ રૂપિયાની કિંમતનો ચોરી કરેલો કેબલ વાયર રિકવર કર્યો છે. આ ગેંગ પકડાતા જિલ્લામાં નોંધાયેલા અનેક અનડિટેક્ટ ગુનાઓ પરથી પડદો ઊંચકાયો છે.

ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં અન્ય ત્રણ શખ્સો પણ સંડોવાયેલા છે, જેઓ હાલ પોલીસ પકડથી દૂર છે. એલસીબીએ આ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: રાજકોટ પોલીસનો મોટો સપાટો : થોરાળાની કુખ્યાત 'શામજી મકા ગેંગ' પર ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી

પોલીસની કડક કાર્યવાહી

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની આ સફળ કામગીરીથી સ્થાનિક ખેડૂતો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે આરોપીઓની રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં હજુ પણ અન્ય મોટા ગુનાઓ અને ચોરીના માલની હેરાફેરીના નેટવર્ક ખુલે તેવી પૂરેપૂરી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now