Home Gujarat Khanpur Mgvcl Power Cut 13 Hours Mahisagar

મહીસાગરમાં MGVCLની ઘોર બેદરકારી સામે જનતાનો આક્રોશ : ખાનપુર તાલુકામાં 13 કલાકના અંધારપટથી હાહાકાર

MGVCL
Published by: Viral Patel
Last Updated: Apr 21, 2026, 02:58 PM IST

Khanpur News: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે કાનેસર ફીડર હેઠળના ગામોમાં સતત ૧૩ કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પ રહેતા સ્થાનિકોનો મિજાજ ગરમાયો છે.

45 ડિગ્રી તાપમાનમાં જનતા શેકાઈ

હાલ સમગ્ર રાજ્યમાં સખત ગરમી પડી રહી છે, ત્યારે ખાનપુર તાલુકામાં પારો ૪૫ ડિગ્રીએ પહોંચ્યો છે. આવી સ્થિતિમાં સવારના 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી વીજળી ગુલ રહેતા લોકોની હાલત કફોડી બની હતી. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો ગરમીમાં સેકાયા હતા. ગૃહિણીઓનું ઘરકામ ખોરવાયું હતું અને વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

સરકારના દાવાઓ પોકળ સાબિત થયા?

એક તરફ રાજ્ય સરકાર 'જ્યોતિગ્રામ યોજના' હેઠળ ગામડાઓમાં ૨૪ કલાક અવિરત વીજળી આપવાના બણગા ફૂંકે છે, ત્યારે બીજી તરફ MGVCLના પાપે આ દાવાઓના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. 13-13 કલાક સુધી વીજળી ન હોવી તે તંત્રની અણઆવડત અને લાપરવાહીનો જીવતો જાગતો પુરાવો છે.

"મેન્ટેનન્સના નામે માત્ર નાટક?"

સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય સમયથી MGVCL દ્વારા વારંવાર મેન્ટેનન્સના બહાને વીજકાપ લાદવામાં આવે છે. જો વારંવાર મેન્ટેનન્સ થતું હોય, તો પછી કલાકો સુધી વીજળી કેમ જતી રહે છે? શું આ મેન્ટેનન્સ માત્ર કાગળ પર જ થાય છે?

લોકોમાં ભારે રોષ અને ઉગ્ર આંદોલનની ચીમકી

કાનેસર ફીડર હેઠળના ગામોમાં લાંબા સમયથી વીજળીની અનિયમિતતા એક કાયમી સમસ્યા બની ગઈ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને આ ફરિયાદો પાછી ફરે છે. આ વખતે કલાકો સુધી અંધારપટ છવાતા જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. જો આગામી દિવસોમાં વીજ પુરવઠો સુધરશે નહીં, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now