Home Gujarat Ahmedabad Mega Combing Led By Dcp In Vatva Police Action Against Anti Social Elements Spreading Rumours Among People

લોકોમાં ફફડાટ ફેલાવનાર અસામાજિક તત્વો સામે એક્શનમાં પોલીસ : વટવામાં DCPના નેતૃત્વમાં મેગા કોમ્બિંગ, ગુનાઇત ઇતિહાસ ધરાવતા તત્વોમાં હડકંપ

Vatva Police Mega Combing
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 13, 2026, 05:54 AM IST

અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં જાહેરમાં તલવારો વીંઝી ભયનો માહોલ પેદા કરનારા તત્વોને પાઠ ભણાવવા માટે ઝોન-6 પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે. વટવાના ચાર માળિયા વિસ્તારમાં DCP ભગીરથ ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ મોડી રાત્રે ‘મેગા કોમ્બિંગ’ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય હેતુ સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો અને ગુનેગારોમાં પોલીસનો ખોફ કાયમ કરવાનો છે. 10 ઉચ્ચ અધિકારીઓ અને 100થી વધુ પોલીસ જવાનોના કાફલાએ આખા વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે આ દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારનું એરિયલ સર્વેલન્સ કર્યું હતું, જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી શકાય. આ ઓપરેશનમાં દારૂની બોટલો, હથિયારો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખસો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

75 ગુનેગારોની તપાસ અને દારૂ-હથિયારોના કેસ

મેગા કોમ્બિંગ દરમિયાન પોલીસે ચાર માળિયાના 55 જેટલા બ્લોકમાં તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં કુલ 75 જેટલા એવા શખસોની ઉલટતપાસ કરવામાં આવી હતી જેઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ તપાસમાં 435 દારૂની બોટલો મળી આવતા પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો હતો, જ્યારે લાકડી અને ડંડા જેવા હથિયારો રાખવા બદલ પણ ગુનો નોંધાયો હતો. 45 જેટલા વાહનોના ચેકિંગ દરમિયાન બે વ્યક્તિઓ નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપાયા હતા.

ડ્રોનથી બાજનજર અને એરિયલ સર્વેલન્સ

વટવા જેવા ગીચ વિસ્તારમાં ગુનેગારો છુપાઈ ન જાય તે માટે પોલીસે પહેલીવાર ડ્રોન કેમેરાનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, "અમે ડ્રોન દ્વારા દરેક બ્લોક અને ધાબા પર નજર રાખી રહ્યા છીએ. આ પ્રકારના એરિયલ સર્વેલન્સથી પોલીસને ગ્રાઉન્ડ લેવલ પર ઓપરેશન કરવામાં ખૂબ જ સરળતા રહે છે અને ગુનેગારોમાં એક કડક મેસેજ જાય છે કે પોલીસ તેમની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે."

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે : રાજકોટ અને ગાંધીનગરમાં આ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

DCP ભગીરથ ગઢવીની ગુનેગારોને ચીમકી

ઝોન-6 DCPએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમદાવાદ પોલીસ સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. જે લોકો જાહેર રોડ પર હથિયારો સાથે આતંક ફેલાવશે અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરશે, તેમને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. પોલીસની હાજરી અને સખ્તાઈ અવિરત ચાલુ રહેશે જેથી લોકો નિર્ભય બનીને રહી શકે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now