વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) જયદીપ મજૂમદારે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠા BIMSTEC શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 3થી 4 એપ્રિલ દરમિયાન થાઇલેન્ડની સત્તાવાર મુલાકાત લેશે. પીએમ મોદીની થાઇલેન્ડની આ ત્રીજી મુલાકાત હશે. આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદી થાઈલેન્ડના પ્રધાનમંત્રી શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ભારત અને થાઇલેન્ડ વચ્ચે ઐતિહાસિક રીતે મજબૂત દ્વિપક્ષીય સંબંધો રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક, અને ધાર્મિક સંબંધો છે. વધુમાં, થાઇલેન્ડ ભારતનો દરિયાઈ પડોશી તેમજ "એક્ટ ઇસ્ટ" નીતિ અને ઇન્ડો-પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. થાઇલેન્ડ બિમ્સટેકમાં પણ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ તેમની બીજી મુલાકાત હશે. અગાઉ, તેઓ 11 ઓક્ટોબર 2023ના રોજ આસિયાન શિખર સંમેલન દરમિયાન વિયાનતિયાનેમાં મળ્યા હતા.
મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપ પર ભારતની પ્રાથમિકતા
જયદીપ મજૂમદારે મ્યાનમાર-થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, BIMSTEC વિસ્તાર ભારે હવામાનની ઘટનાઓ અને કુદરતી આફતો માટે સંવેદનશીલ છે. તેની સુસંગતતા આજે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપમાં જોઈ શકાય છે. આપત્તિ વ્યવસ્થાપનમાં સહકાર અને HADR (માનવીય સહાય અને આપત્તિ રાહત) કવાયત દ્વારા આપણા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળો વચ્ચે સહયોગ ભારત માટે પ્રાથમિકતા ધરાવતું ક્ષેત્ર રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 3-4 એપ્રિલ, 2025 ના રોજ થાઈલૅન્ડની મુલાકાત ભારત-થાઈલૅન્ડ આર્થિક અને સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષીય વાટાઘાટો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મુલાકાત દરમિયાન આર્થિક સહયોગને આગળ વધારવા અંગે વિગતવાર ચર્ચા થશે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદાર તરીકે, ભારત અને થાઇલેન્ડ સંરક્ષણ અને સુરક્ષા બાબતોમાં પરસ્પર સહયોગને મજબૂત કરવા માટે પણ સહમત થઈ શકે છે.





