Home Gujarat Maya Bhais Son Jayaraj Ahir Finally Arrested

માયાભાઈના પુત્ર જયરાજ આહીરની આખરે ધરપકડ : SIT એ બેવાર પૂછપરછ કર્યા બાદ કરી કાર્યવાહી, અહીં 'કલાકારી' ના ચાલી!

માયાભાઈના પુત્ર જયરાજ આહીરની આખરે ધરપકડ
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 03:10 PM IST

ભાવનગરના બગદાણા વિવાદ મામલે આખરે જયરાજ આહીરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બગદાણામાં નવનીત નામના યુવાનને માર મારવાની ઘટનાને લઈને સર્જાયેલા મોટા વિવાદમાં SIT દ્વારા લાંબી તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવતા કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે.

જયરાજ આહીરની પોલીસે કરી ધરપકડ

આ સમગ્ર મામલામાં નવનીત બાલધિયા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે ભારે ચકચાર મચી હતી. આ હુમલા મામલે કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. ઘટનાને લઈને શરૂઆતમાં પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી હતી, ત્યારબાદ SIT દ્વારા વધુ 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા, અત્યાર સુધીમાં કુલ 13 શખ્સોની ધરપકડ થઈ ચૂકી છે. ઉપરાંત SIT દ્વારા આ કેસમાં સંડોવાયેલા હોવાની શંકા હેઠળ આશરે 19 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

'તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે'

મહત્વપૂર્ણ બાબત એ છે કે, સમગ્ર ઘટનામાં આરોપી તરીકે ચર્ચામાં આવેલા જયરાજ આહીરને થોડા દિવસ પહેલા SIT દ્વારા IG કચેરી ખાતે નિવેદન માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ફરીથી SIT દ્વારા જયરાજ આહીરને બોલાવવામાં આવ્યો હતો. અંતે આજે SIT દ્વારા જયરાજ આહીરની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. જયરાજ આહીરની ધરપકડ બાદ રેન્જ IG દ્વારા સમગ્ર તપાસ અંગે માહિતી આપવામાં આવી, જેમાં તેમણે જણાવ્યું કે કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને SIT દ્વારા તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને આગળ પણ તપાસ ચાલુ રહેશે.

જયરાજ આહીરની ધરપકડ થતાં બગદાણા વિવાદ મામલે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ફરી એક વખત ચર્ચા તેજ બની છે, જ્યારે સમગ્ર રાજ્યની નજર હવે આગળની તપાસ અને SITની કાર્યવાહી પર ટકી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now