Mathura Firing: ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ મથુરાના મહોલી ગામમાં આજે એક અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. પરિક્રમા માર્ગ પર શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે બે પક્ષો વચ્ચે થયેલી જૂની અદાવત એટલી હદે વકરી કે જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર અને પથ્થરમારો થયો હતો. સેવા કેમ્પના નામે શરૂ થયેલો આ વિવાદ થોડી જ વારમાં લોહિયાળ જંગમાં ફેરવાઈ જતાં શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ભક્તિમય વાતાવરણ ડરમાં ફેરવાઈ ગયું હતું. આ હિંસક ઝઘડામાં અડધા ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 4 લોકોને ગંભીર ઈજાઓ સાથે ગોળીઓ વાગી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં આ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સેવા કેમ્પમાં કેળા વહેંચવા બાબતે થયો વિવાદ
ઘટના પાછળનું મુખ્ય કારણ કોઈ ગંભીર મુદ્દો નહીં, પરંતુ જૂની અદાવત અને નાની એવી તકરાર હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગામના ગુડ્ડી પ્રધાન અને ચંદ્રપાલ વચ્ચે અગાઉ છ મહિના પહેલા કોઈ બાબતે ઝઘડો થયો હતો. ગુરુવારે જ્યારે પરિક્રમા ચાલી રહી હતી ત્યારે ચંદ્રપાલ પક્ષ દ્વારા શ્રદ્ધાળુઓ માટે પાણી અને સેવાનો કેમ્પ લગાવવામાં આવ્યો હતો. આ જ સ્થળે ગુડ્ડી પ્રધાનના માણસો કેળા અને અન્ય સામગ્રી વહેંચવા પહોંચતા બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં બંને પક્ષોએ હથિયારો કાઢીને સામસામે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોલાર ક્રાંતિનો ઉદય: 23 હજારથી વધુ ઘરો થયા સૂર્યઊર્જાથી પ્રકાશિત
4 લોકોને ગોળીઓ વાગી, 2ની હાલત ગંભીર
આ હિંસક ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં હુમલાખોરો ખુલ્લેઆમ હથિયારો લહેરાવતા અને ગોળીબાર કરતા નજરે પડે છે. ગોળીબારમાં ચંદ્રપાલ પક્ષના રવિ અને સંજુ તેમજ સામા પક્ષના હરિઓમ અને સાવિત્રી નામની મહિલાને ગોળીઓ વાગી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી સંજુ અને હરિઓમની હાલત નાજુક હોવાથી તેમને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોની સારવાર જિલ્લા હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.
પોલીસની સઘન તપાસ અને કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી સિટી રાજીવ કુમાર અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગામમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે, આ ગુનામાં સામેલ તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.





