Home National Dk Shivakumar New Karnataka Cm Political Journey Congress News

23ની ઉંમરે પ્રધાનમંત્રી સામે ચૂંટણી લડ્યા, 36 વર્ષથી અજેય : હવે કર્ણાટકની કમાન સંભાળશે ડી.કે શિવકુમાર, જાણો 'ટ્રબલ શૂટર'ની રોમાંચક રાજકીય સફર

DK Shivakumar Karnataka CM
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: May 28, 2026, 12:49 PM IST

બેંગલુરુ: કર્ણાટકના રાજકીય આકાશમાં એક નવા સૂર્યોદયના સંકેત મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પડદા પાછળ રહીને કોંગ્રેસ માટે 'સંકટમોચક'ની ભૂમિકા ભજવનાર ડી.કે. શિવકુમાર હવે કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શિવકુમારના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ટૂંક સમયમાં જ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર ઔપચારિક મહોર લાગશે. એક સામાન્ય પરિવારમાંથી આવતા શિવકુમારની આ સફર સંઘર્ષ, વ્યૂહરચના અને અડગ મનોબળની ગાથા છે.

૨૩ વર્ષની ઉંમરે દિગ્ગજ દેવેગૌડાને આપી હતી ટક્કર

ડી.કે. શિવકુમારની રાજકીય સફરની શરૂઆત જ અત્યંત સાહસિક રહી હતી. માત્ર 23 વર્ષની ઉંમરે જ્યારે યુવાનો કારકિર્દીના સપના જોતા હોય, ત્યારે શિવકુમારે કર્ણાટકના દિગ્ગજ નેતા અને તત્કાલિન પ્રધાનમંત્રી એચ.ડી. દેવેગૌડા સામે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. 1985ની તે ચૂંટણીમાં ભલે તેમને હારનો સામનો કરવો પડ્યો, પરંતુ દેવેગૌડા જેવા કદ્દાવર નેતાને તેમણે પરસેવો છોડાવી દીધો હતો. ત્યારબાદ 1989માં તેમણે ભવ્ય વિજય મેળવ્યો અને ત્યારપછી ક્યારેય પાછું વળીને જોયું નથી. માત્ર 30 વર્ષની ઉંમરે તેઓ કેબિનેટ મંત્રી બનીને પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હતી.

આ પણ વાંચો: "પાર્ટીએ જે કહ્યું એ મેં કર્યું" આટલું કહીં છોડ્યું CM પદ: સિદ્ધારમૈયાનું કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું, હવે ડી.કે. શિવકુમાર બનશે નવા નાયક?

'રોક ઓફ કનકપુરા' અને અજેય રાજકીય ઈતિહાસ

1989 પછી ડી.કે. શિવકુમાર પોતાના જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા નથી. સતત 8 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવાથી તેમને 'કનકપુરા બંદે' અથવા 'રોક ઓફ કનકપુરા' તરીકે ઓળખવામાં આવે છે. 2019માં જ્યારે ઈડી અને આઈટીના ગાળિયા હેઠળ તેમને તિહાડ જેલમાં ૫૦ દિવસ વિતાવવા પડ્યા, ત્યારે પણ તેમના સમર્થકોનો ઉત્સાહ ઓછો ન થયો. જામીન પર મુક્ત થઈને જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે બેંગલુરુમાં તેમનું જે રીતે સ્વાગત થયું તે કોઈ રાજાના સરઘસથી ઓછું નહોતું. વોક્કાલિગા સમુદાયમાં તેમની લોકપ્રિયતાએ તેમને આખા રાજ્યમાં એક શક્તિશાળી નેતા તરીકે સ્થાપિત કર્યા છે.

કોંગ્રેસના સૌથી ભરોસાપાત્ર 'ટ્રબલશૂટર'

શિવકુમાર માત્ર કર્ણાટકના જ નહીં, પણ સમગ્ર દેશમાં કોંગ્રેસ હાઈકમાન્ડ માટે સૌથી વિશ્વાસુ 'ટ્રબલશૂટર' માનવામાં આવે છે. 2017માં ગુજરાતમાં અહમદ પટેલની રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોને સુરક્ષિત રાખવાથી લઈને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ગઠબંધન સરકારો બનાવવામાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી છે. 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક જીત પાછળ તેમની વોક્કાલિગા સમુદાય પરની પકડ અને મજબૂત રણનીતિ જવાબદાર હતી.

આ પણ વાંચો: સત્તા પરિવર્તન પૂર્વે કર્ણાટકમાં ઈમોશનલ સીન!: મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આપશે રાજીનામું, સિદ્ધારમૈયાના ચરણસ્પર્શ કરીને ડી.કે. શિવકુમારે લીધા આશીર્વાદ

બિઝનેસ સામ્રાજ્ય અને ભવિષ્યની રાહ

સામાન્ય પરિવારમાં જન્મેલા શિવકુમારે પોતાની મહેનત અને વ્યાપારિક સમજના દમ પર વિશાળ બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું છે, જેમાં મોટી શૈક્ષણિક સંસ્થાઓ અને રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. તેમની 1350 કરોડથી વધુની સંપત્તિ હંમેશા ચર્ચા અને તપાસ એજન્સીઓના રડારમાં રહે છે. જોકે, તેમના સમર્થકો માને છે કે તેમની આર્થિક તાકાત અને સંગઠનાત્મક કુશળતાએ જ કોંગ્રેસને કર્ણાટકમાં પુનર્જીવિત કરી છે. હવે જ્યારે કનકપુરાના આ દિગ્ગજ નેતા મુખ્યમંત્રી પદની લગામ સંભાળવા જઈ રહ્યા છે, ત્યારે રાજ્યના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થવાની આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now