Siddaramaiah Resigns: કર્ણાટકના રાજકારણમાં છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલી નેતૃત્વ બદલાવની અટકળો હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી સિદ્ધારામૈયા ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેની મહત્વપૂર્ણ બેઠકો બાદ હવે ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર રાજ્યના નવા મુખ્યમંત્રી બની શકે તેવી સંભાવનાઓ વધુ મજબૂત બની રહી છે. રાજ્યની રાજનીતિમાં ભારે ઉથલપાથલ વચ્ચે સીએમ નિવાસ ‘કાવેરી’ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ બેઠક દરમિયાન કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. રાજકીય સૂત્રોના દાવા મુજબ, બેઠક દરમિયાન સત્તા પરિવર્તન અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે કોંગ્રેસ તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સીએમ આવાસે હાઈ-વોલ્ટેજ બેઠક, ડીકે શિવકુમાર સીધા દિલ્હીથી પહોંચ્યા
મળતી માહિતી મુજબ, સીએમ સિદ્ધારામૈયાના નિવાસસ્થાને કેબિનેટ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર દિલ્હીથી સીધા જ બેંગલુરુ પહોંચ્યા બાદ સીએમ આવાસે પહોંચ્યા હતા.
આ દરમિયાન સિદ્ધારામૈયા અને ડી.કે. શિવકુમારે એકબીજાને ગળે મળી પાર્ટીમાં એકતા અને સંકલનનો સંદેશ આપ્યો હતો. રાજકીય ચર્ચાઓ વચ્ચે બંને નેતાઓની આ મુલાકાતે ભારે ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક અહેવાલોમાં ડીકે શિવકુમારે સિદ્ધારામૈયાના આશીર્વાદ લીધા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
રાજીનામાની અટકળો વચ્ચે રાજ્યપાલની ગેરહાજરી ચર્ચામાં
અહેવાલો અનુસાર, સિદ્ધારામૈયા રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી શકે છે તેવી ચર્ચા છે. જોકે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બેંગલુરુ બહાર હોવાના અહેવાલો વચ્ચે રાજીનામાની પ્રક્રિયા અંગે પણ સવાલો ઊભા થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જો રાજ્યપાલ હાજર ન હોય તો પણ રાજીનામું રાજ્યપાલ કાર્યાલયને સોંપી શકાય છે. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
ડીકે શિવકુમાર બની શકે આગામી મુખ્યમંત્રી
કર્ણાટક કોંગ્રેસમાં લાંબા સમયથી નેતૃત્વ પરિવર્તનની ચર્ચા ચાલી રહી હતી. માનવામાં આવે છે કે 2023ની ચૂંટણી બાદ સત્તા વહેંચણી અંગે આંતરિક સમજૂતી થઈ હતી, જેના આધારે હવે ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવી શકે છે. જો અંતિમ ક્ષણે કોઈ મોટો ફેરફાર નહીં થાય તો શુક્રવારે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક બાદ ડી.કે. શિવકુમારના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જોકે કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી.
દેશભરની નજર કર્ણાટકના રાજકીય ઘટનાક્રમ પર
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની શક્યતાઓ વચ્ચે દેશભરના રાજકીય વર્તુળોની નજર હવે બેંગલુરુ પર ટકેલી છે. સિદ્ધારામૈયાના આગામી પગલા અને કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય બાદ રાજ્યની રાજનીતિમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે.





