Home National Rahul Gandhi Questions Cbse Digital Evaluation Company Coempt

CBSE પરીક્ષાની તપાસ કંપની પર રાહુલ ગાંધીના સવાલ : બોર્ડે ગેરરીતિના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા

Rahul Gandhi's question on CBSE exam inspection company
Published by: Vaishnavi Pathak
Last Updated: May 28, 2026, 03:56 AM IST

ધોરણ 12 ના પરિણામોમાં ગેરરીતિનો આક્ષેપ: બોર્ડે સ્પષ્ટતા કરતા કહ્યું- તમામ આરોપો તથ્યહીન અને ભ્રામક છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના ધોરણ 12 ના પરિણામો અને ડિજિટલ મૂલ્યાંકન (Digital Evaluation) ની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. તેમણે આ કામગીરી સંભાળતી કંપનીના ભૂતકાળના વિવાદોનો હવાલો આપીને સરકાર સામે પ્રહારો કર્યા છે, જ્યારે બીજી તરફ CBSE એ આ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.

COEMPT કંપની અને સરકાર વચ્ચે શું સંબંધ?: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે CBSE એ જે COEMPT કંપનીને પરીક્ષાની ઉત્તરવહીઓના ડિજિટલ મૂલ્યાંકનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, તેનું જૂનું નામ 'ગ્લોબારીના' હતું. આ કંપની વર્ષ 2019 માં તેલંગાણામાં મોટા વિવાદોમાં ઘેરાયેલી હતી.

રાહુલ ગાંધીએ સરકારને ઘેરતા નીચે મુજબના પ્રશ્નો પૂછ્યા છે:

  • કયા નિયમોને બાજુ પર મૂકીને COEMPT કંપનીને આ મહત્વનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો?

  • કંપનીના વિવાદાસ્પદ ભૂતકાળ વિશે જાણ હોવા છતાં બોર્ડે કેમ આંખ આડા કાન કર્યા?

  • COEMPT ના મેનેજમેન્ટ અને મોદી સરકાર વચ્ચે શું સંબંધ છે?

બોર્ડે આપ્યો જવાબ: તમામ નિયમોનું પાલન થયું છે

CBSE મુખ્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં રાહુલ ગાંધીના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. બોર્ડના જણાવ્યા અનુસાર, બોર્ડ પરીક્ષા 2026 ની ઉત્તરવહીઓના ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) માટે 28 August 2025 ના રોજ સરકારી પોર્ટલ દ્વારા પારદર્શક રીતે અરજીઓ મંગાવવામાં આવી હતી. નિર્ધારિત જનરલ ફાઇનાન્સિયલ રૂલ્સ (GFR) અને યોગ્ય પસંદગી પ્રક્રિયા બાદ જ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

દર ચોથા વિદ્યાર્થીએ સ્કેન કોપીની માંગ કરી

આ વર્ષે ધોરણ 12 ની પરીક્ષામાં ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ સામે વિદ્યાર્થીઓનો ભારે અસંતોષ જોવા મળ્યો છે. પરીક્ષામાં બેસેલા કુલ 17,68,962 વિદ્યાર્થીઓમાંથી 4,04,319 એટલે કે લગભગ 22.85% (દર ચોથા વિદ્યાર્થીએ) પોતાની ઉત્તરવહીની સ્કેન નકલ માંગી છે.

વિદ્યાર્થીઓ દ્વારા કુલ 11,31,961 આન્સરશીટની માંગ કરવામાં આવી છે, જે ગયા વર્ષ (2025) ની સરખામણીએ 4 ગણી વધુ છે. દેશના કોઈ પણ શૈક્ષણિક બોર્ડના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં સ્કેન કોપી માંગવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

૨૯ મેથી પુનર્મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ થશે

બોર્ડે જણાવ્યું છે કે મંગળવાર સાંજ સુધીમાં 8,98,214 આન્સરશીટ વિદ્યાર્થીઓને ઓનલાઈન મોકલી દેવાઈ છે. ટેકનિકલ ખામી અને પેમેન્ટ વેરિફિકેશનના કારણે અટકેલી બાકીની અરજીઓ 27 May સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ 29 May થી રી-ઇવેલ્યુએશન (પુનર્મૂલ્યાંકન) ની પ્રક્રિયા શરૂ થશે. જે વિદ્યાર્થીઓને પરિણામ સામે વાંધો હોય, તેઓ ગુણ ચકાસણી અથવા પ્રશ્ન દીઠ પુનર્મૂલ્યાંકન માટે સત્તાવાર વિન્ડો દ્વારા એપ્લાય કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now