અમદાવાદના પીપળજ ગામ નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં કેમિકલ અને ઓઇલમાં આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં મોટી માત્રામાં કેમિકલ અને જ્વલનશીલ ઓઇલ સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. કેમિકલના કારણે આગ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આગના ધુમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો દૂરથી જ ઘેરો કાળો ધુમાડો અને ઊંચી જ્વાળા સ્પષ્ટ જોઈ શકે છે.
અવર-જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો
આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે તેની જ્વાળા રોડ સુધી પહોંચી ગઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નજીકનો માર્ગ તાત્કાલિક બંધ કરી દેવાયો છે અને વાહન વ્યવહાર રોકી દેવાયો છે. કેમિકલ અને ઓઇલ જેવી જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ વધુ ફેલાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ સુધી કોઈ જાનહાનિ અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને ઘટના સ્થળથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
'મેજર કોલ' જાહેર
ફાયર વિભાગની 25 જેટલી ગાડીઓ આગ પર કાબૂ મેળવવામાં લાગી ગઈ છે. સાથો સાથ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. પાપ્ત વિગતો મુજબ મોટા ભાગના ફાયર સ્ટેશનથી ફાયર ગાડીઓ પીપળજ ખાતે મોકલવામાં આવી છે.






