Home Gujarat Married Woman In Mehmadabad Makes Serious Allegations Of Rape Against Police Constable

ખેડા જિલ્લામાં રક્ષણકર્તા જ બન્યો ભક્ષક : મહેમદાવાદમાં પરણિત મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ પર લગાવ્યો દુષ્કર્મના ગંભીર આરોપ

ખેડા જિલ્લામાં રક્ષણકર્તા જ બન્યો ભક્ષક
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 09:59 AM IST

Married Woman Files Complaint: હાલમાં રાજ્યભરમાં મહિલાઓ પર અત્યાચારના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવા સમયમાં મહિલાઓ સુરક્ષા અને ન્યાય માટે પોલીસ પર વિશ્વાસ રાખે છે, પરંતુ જ્યારે પોલીસ કર્મચારી જ મહિલાના વિશ્વાસનો દુરુપયોગ કરે ત્યારે સમગ્ર કાયદા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા થાય છે. આવો જ એક ચોંકાવનારો અને ગંભીર કિસ્સો ખેડા જિલ્લાના મહેમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલ પર પરિણીત મહિલાએ દુષ્કર્મ અને શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે.

પોલીસ કોન્સ્ટેબલ સામે ગંભીર ફરિયાદ

મળતી માહિતી મુજબ, નડિયાદ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ સામે એક પરિણીત મહિલાએ જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલાનો આરોપ છે કે, કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપી તેના સાથે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ફરિયાદ બાદ પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે.

પતિના ત્રાસ દરમિયાન આરોપી સાથે પરિચય

પીડિતાના જણાવ્યા મુજબ, તે છેલ્લા દસ વર્ષથી પરિણીત જીવનમાં પતિના ત્રાસથી પીડાઈ રહી હતી. પતિ સાથેના સતત વિવાદ અને માનસિક તણાવને કારણે તે વારંવાર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જતી હતી. આ દરમિયાન તેની ઓળખ આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ સાથે થઈ હતી. પતિ સામે કાયદાકીય મદદ અને આર્થિક સહાયની લાલચ આપી આરોપીએ મહિલાને વિશ્વાસમાં લઈ મિત્રતા વધારી હતી.

પ્રેમજાળમાં ફસાવી શોષણ કર્યું

મહિલાના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષ સુધી મિત્રતા રાખ્યા બાદ ચોથા વર્ષે આરોપીએ શારીરિક સંબંધ બાંધવા દબાણ શરૂ કર્યું હતું. ફરવા જવાના બહાને હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું પીડિતાએ જણાવ્યું છે. ત્યારબાદ લગ્ન કરવાનો ખોટો વાયદો કરી વારંવાર શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હતું.

ગર્ભપાત અને બંધક બનાવવાના ગંભીર આક્ષેપ

પીડિતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આ દરમિયાન તે ગર્ભવતી બની હતી, ત્યારે આરોપીએ ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. એટલું જ નહીં, ગત 13 જાન્યુઆરીના રોજ તેને ત્રણ દિવસ સુધી ગોંધી રાખી શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. અંતે આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરી “10 લાખ રૂપિયા લઈ લે અથવા તો મરી જા” જેવી ધમકી આપીને સંપર્ક તોડી નાંખ્યો હતો. હારી થાકી પીડિત મહિલાએ અંતે જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાયની માગ સાથે ફરિયાદ નોંધાવી છે. આ ગંભીર ઘટનાને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી છે. હવે પોલીસ વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી થાય છે તે તરફ સૌની નજર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now