Home Business Markets Closed Today Amid War Rumours Trading Closed In Nse And Bse On Occasion Of Holi Know When The Commodity Market Will Open

યુદ્ધના ફફડાટ વચ્ચે આજે બજારમાં રજા : હોળી નિમિત્તે NSE અને BSE માં ટ્રેડિંગ બંધ, જાણો ક્યારે ખુલશે કોમોડિટી માર્કેટ

યુદ્ધના ફફડાટ વચ્ચે આજે બજારમાં રજા
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 04:12 AM IST

ભારતીય શેરબજારના રોકાણકારો માટે આજે રજાનો દિવસ છે. હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે આજે એટલે કે 3 માર્ચ, 2026ના રોજ દેશના બંને મુખ્ય સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંધ રહેશે. આ રજા દરમિયાન ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ અને કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જોકે, હોળીની સત્તાવાર ઉજવણી દેશના ઘણા ભાગોમાં આવતીકાલે એટલે કે 4 માર્ચના રોજ થવાની છે, પરંતુ શેરબજારના સત્તાવાર કેલેન્ડર મુજબ, આજે રજા જાહેર કરવામાં આવી છે. જે રોકાણકારો કોમોડિટીમાં ટ્રેડિંગ કરે છે, તેમના માટે બજાર અડધો દિવસ બંધ રહેશે, એટલે કે સવારના સત્રમાં કામકાજ બંધ રહ્યા બાદ સાંજે ૫ વાગ્યાથી રાત્રે 11:55 સુધી ટ્રેડિંગ ફરી શરૂ થશે.

માર્ચ મહિનામાં રજાઓની વણઝાર

માર્ચ મહિનો રોકાણકારો માટે રજાઓથી ભરેલો રહેવાનો છે. શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ સિવાય, આ મહિને શેરબજાર કુલ ત્રણ દિવસ બંધ રહેશે. આજે હોળીની રજા બાદ, આગામી 26 માર્ચ, 2026ના રોજ શ્રી રામનવમી નિમિત્તે અને 31 માર્ચ, 2026ના રોજ શ્રી મહાવીર જયંતી નિમિત્તે પણ શેરબજારમાં રજા રહેશે. આમ, ટ્રેડર્સે આ મહિનાના તેમના સોદાઓનું આયોજન આ રજાઓને ધ્યાનમાં રાખીને કરવું પડશે.

બેંકોમાં પણ કામકાજ ઠપ્પ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના કેલેન્ડર મુજબ, આજે હોળી, ધુળેટી અને હોલિકા દહન જેવા વિવિધ તહેવારોના કારણે દેશના અનેક રાજ્યોમાં બેંકો પણ બંધ છે. કેટલીક જગ્યાએ બેંકોમાં આજે રજા છે, તો અમુક રાજ્યોમાં આવતીકાલે એટલે કે 4 માર્ચે રજા રહેશે. આથી બેંકિંગ સંબંધિત કાર્યો માટે ગ્રાહકોએ ઓનલાઈન બેંકિંગનો સહારો લેવો પડશે.

બજારની સ્થિતિ: ઈરાન-અમેરિકા તણાવની અસર

શેરબજારમાં રજા પહેલાના દિવસે એટલે કે સોમવારે બજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી હતી. 2 માર્ચના રોજ નિફ્ટી અને સેન્સેક્સમાં 1% થી વધુનો ઘટાડો નોંધાયો હતો. બજારના નિષ્ણાતોના મતે, જ્યાં સુધી નિફ્ટી 25,000 ની સપાટી પાર નહીં કરે ત્યાં સુધી બજારમાં મંદીવાળાઓનું જોર યથાવત રહી શકે છે. નિફ્ટી માટે હાલ 24,600 ની સપાટી મહત્વનો સપોર્ટ ગણાઈ રહી છે.

રૂપિયો પણ નબળો પડ્યો

વૈશ્વિક અસ્થિરતાની અસર ભારતીય ચલણ પર પણ જોવા મળી છે. સોમવારે ભારતીય રૂપિયો ૫૦ પૈસા તૂટીને પ્રતિ ડોલર ૯૧.૪૭ ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી ઈમ્પોર્ટ બિલ વધવાની આશંકા અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી નાણાં ખેંચી લેવાના કારણે રૂપિયા પર દબાણ વધ્યું છે.

વર્ષ 2026ની આગામી મુખ્ય રજાઓ

તારીખ

દિવસ

તહેવાર

26 માર્ચ

ગુરુવાર

શ્રી રામનવમી

31 માર્ચ

મંગળવાર

શ્રી મહાવીર જયંતી

03 એપ્રિલ

શુક્રવાર

ગુડ ફ્રાઈડે

14 એપ્રિલ

મંગળવાર

ડો. આંબેડકર જયંતી

1 મે

શુક્રવાર

મહારાષ્ટ્ર દિવસ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now