વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા તેજ કરી છે. મંગળવારે માંજલપુર બેઠક માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ટિકિટના દાવેદારો અને તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના નેતાઓ સાથે દાવેદારોએ વ્યક્તિગત રીતે પોતાની દાવેદારી રજૂ કરી હતી.
ભાજપના કેન્દ્રીય અને પ્રદેશ સંગઠન દ્વારા નિયુક્ત નિરીક્ષકો તરીકે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યસભાના સાંસદ બળવંતસિંહ રાજપુત અને ભાજપના નેતા ગીતાબેન નાયક વડોદરા પહોંચ્યા હતા. તેમણે દાવેદારો સાથે બેઠક કરીને સ્થાનિક સંગઠન, કાર્યકરો અને હોદ્દેદારોના અભિપ્રાયો મેળવ્યા હતા. સેન્સ પ્રક્રિયા દરમિયાન સંગઠનના વિવિધ સ્તરના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભાજપનો મજબૂત ગઢ ગણાતી બેઠક પર અનેક દાવેદારો
માંજલપુર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ કારણે પેટાચૂંટણીમાં પક્ષની ટિકિટ મેળવવા માટે દાવેદારો વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ વખતે પક્ષ સમીકરણો, સ્થાનિક સ્વીકાર્યતા અને જીતની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવાર પસંદ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ વખતે મહિલા ઉમેદવારને તક આપવાની સંભાવના પર પણ ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. ઉપરાંત, અત્યાર સુધી પટેલ સમાજના ઉમેદવારને પ્રાધાન્ય મળતું રહ્યું હોવા છતાં, બદલાતા રાજકીય અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને અન્ય જ્ઞાતિના ઉમેદવારને પણ તક આપવામાં આવી શકે તેવી અટકળો ચાલી રહી છે. જોકે, આ અંગે પક્ષ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
'સેન્સ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા?' રાજકીય ચર્ચાઓ તેજ
સેન્સ પ્રક્રિયા વચ્ચે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ઉમેદવારના નામ અંગે પક્ષનું નેતૃત્વ પહેલેથી જ વિચાર કરી ચૂક્યું છે અને સેન્સ પ્રક્રિયા માત્ર સંગઠનાત્મક ઔપચારિકતા હોઈ શકે છે. જોકે ભાજપના નેતાઓએ હંમેશાની જેમ દાવો કર્યો છે કે દરેક દાવેદાર અને કાર્યકરના અભિપ્રાયને મહત્વ આપવામાં આવે છે અને તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ જ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.
હાલમાં માંજલપુર બેઠક માટે ભાજપના ઉમેદવારની જાહેરાત પર સૌની નજર છે. આગામી દિવસોમાં પક્ષ હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





