Home Gujarat Gujarat Heavy Rain 167 Roads Closed Amreli Flood Thebi Dam July 2026

ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી : 167 રસ્તા બંધ, અનેક ગામોનો તૂટ્યો સંપર્ક

નદી ઓવરફ્લો થતી હોય તેવા દ્રશ્યો
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 07, 2026, 08:24 AM IST

ગુજરાતમાં ચોમાસાએ જોરદાર રફ્તાર પકડી છે અને છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના પ્રાથમિક અહેવાલ મુજબ ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં કુલ 167 રસ્તાઓ હાલ બંધ છે. આમાં બે નેશનલ હાઈવે, એક સ્ટેટ હાઈવે, એક ટેસ્ટ (મુખ્ય) હાઈવે, સાત અન્ય મહત્વના માર્ગો તેમજ પંચાયત હસ્તકના 157 રસ્તાઓનો સમાવેશ થાય છે. સતત વરસાદને કારણે અનેક સ્થળોએ રસ્તા ધોવાઈ જવા, પાણી ફરી વળવા અને પુલો પર પાણી ચઢી જવાની સ્થિતિ સર્જાતા સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

13 જિલ્લાઓમાં માર્ગ વ્યવહાર પ્રભાવિત

ભારે વરસાદની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ખેડા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં અનેક માર્ગો બંધ થતાં સ્થાનિક લોકો તેમજ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ : વાપીમાં 8 ઈંચ વરસાદથી હાહાકાર, સરદાર સરોવર 65% ભરાયો

અમરેલીના લાઠી પંથકમાં ગાંગડીયો નદી બે કાંઠે

અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. લાઠી પંથકમાં સતત વરસાદ બાદ ગાંગડીયો નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં આવેલા પૂરના કારણે લિલીયા તાલુકાના ભેસાણ ગામમાં પાણી ઘૂસી જતાં નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ ગામના અંદાજે 10થી 15 મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. અનેક ઘરોમાં ઘરવખરી પાણીમાં તણાઈ જતાં લોકોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. સ્થાનિક લોકો દ્વારા સુરક્ષિત સ્થળોએ જવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

ગાંગડીયો નદીમાં પૂરથી અનેક માર્ગો બંધ

ગાંગડીયો નદીમાં આવેલા પૂરના કારણે લાઠી-ગારિયાધાર સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. નાના લીલીયા ચોકડી અને ક્રાંકચ ગામ વચ્ચે પણ રોડ પર પાણી ફરી વળતાં અવરજવર અટકી ગઈ છે. આ ઉપરાંત ટિબડીથી ભોરીંગડા, કૂતાણાથી ભોરીંગડા અને કૂતાણાથી સનાલિયા ગામ જવાના માર્ગો પણ પાણી ભરાઈ જવાના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. સનાલિયા ગામ પાસે પણ ગાંગડીયો નદીમાં પૂર આવતાં સમગ્ર વિસ્તાર અસરગ્રસ્ત બન્યો છે. ભારે વરસાદના કારણે હજારો વિઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અનેક ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ટિબડી ગામમાં પણ ચારેબાજુ પાણી ભરાઈ જતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: અમરેલીના દામનગરમાં ધોધમાર વરસાદ : અવેડા ચોકમાં ગોઠણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં

ઠેબી ડેમ ઓવરફ્લો

અમરેલી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઠેબી ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. ડેમની જળસપાટી નિયંત્રિત રાખવા માટે મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યે ડેમના છ દરવાજા 0.70 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. બાદમાં પાણીની આવકમાં ઘટાડો થતાં હાલ બે દરવાજા ખુલ્લા રાખીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધી શકે છે તે ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ફતેપુર, ચાપાથળ, પ્રતાપપરા સહિતના ગામોના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતમાં અતિ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત : ડીંડોલી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

તંત્ર એલર્ટ મોડમાં

રાજ્યમાં ભારે વરસાદની આગાહી હજુ પણ યથાવત હોવાથી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. જ્યાં જરૂર છે ત્યાં પોલીસ, ફાયર વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને તૈનાત કરવામાં આવી છે. નદી-નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ખાસ કરીને બાળકોને નદી, તળાવ અને પૂરગ્રસ્ત વિસ્તારોની નજીક ન જવા સૂચના આપવામાં આવી છે.

આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now