Home National Manjalpur Assembly Bypoll 2026 Election Schedule Gujarat

ગુજરાત સહિત ભારતનાં 3 રાજ્યોમાં વિધાનસભાની યોજાશે પેટાચૂંટણી : જાણો કયા રાજ્યની કઈ બેઠક પર યોજાશે પેટાચૂંટણી

ચૂંટણીપંચની છબી
Image Credit: ai
Published by: Niraj Chokshi
Last Updated: Jul 02, 2026, 09:25 AM IST

વડદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત થતાં રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર માંજલપુર બેઠક પર 30 જુલાઈ, 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. બેઠક ખાલી પડતાં ચૂંટણી પંચે સમગ્ર પ્રક્રિયાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે અને તેની સાથે જ સંબંધિત વિસ્તારમાં આચારસંહિતા પણ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે. ચૂંટણી પંચે જાહેર કરેલી માહિતી મુજબ ગુજરાત ઉપરાંત બિહાર અને મધ્યપ્રદેશની એક-એક વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. ગુજરાતમાં માંજલપુર બેઠક પર પૂર્વ ધારાસભ્ય યોગેશભાઈ નારણદાસ પટેલના અવસાન બાદ બેઠક ખાલી પડી હતી, જેને પગલે હવે મતદારો નવા પ્રતિનિધિની પસંદગી કરશે.

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ 6 જુલાઈ, 2026ના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પડશે અને તે જ દિવસથી ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ થશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 14 જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે, જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ રહેશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 30 જુલાઈ, ગુરુવારે મતદાન યોજાશે. મતગણતરી 3 ઓગસ્ટ, સોમવારે હાથ ધરાશે અને 4 ઓગસ્ટ સુધી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: 'વિકસિત ભારત'ના ભાવિ નિર્માતાઓ વચ્ચે પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા : દેવગઢ બારિયામાં વિદ્યાર્થીઓને નોટબુક અને ફળોનું કર્યું વિતરણ

યોગેશભાઈ પટેલના અવસાનથી બેઠક ખાલી

માંજલપુર વિધાનસભા બેઠક પૂર્વ ધારાસભ્ય યોગેશભાઈ નારણદાસ પટેલના અવસાનને કારણે ખાલી પડી હતી. તેમના નિધન બાદ આ બેઠક માટે પેટાચૂંટણી અનિવાર્ય બની હતી. હવે તમામ રાજકીય પક્ષો માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની શકે છે. રાજકીય નિરીક્ષકોના મતે વડોદરા શહેરની મહત્વની બેઠકોમાં ગણાતી માંજલપુર બેઠક પર મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે. ઉમેદવારોની પસંદગીથી લઈને પ્રચાર સુધી દરેક તબક્કા પર તમામ પક્ષોની વ્યૂહરચના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: જો તમે ખેડૂતો સાથે રાજકારણ ન કરતા હોવ તો..." : કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન પર પાલ આંબલિયાનો વળતો પ્રહાર

આચારસંહિતા અમલમાં

ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારમાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. હવે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકાર અથવા સ્થાનિક તંત્ર કોઈ નવી જાહેરખબર, વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત અથવા મતદારોને પ્રભાવિત કરે તેવા નિર્ણયો લઈ શકશે નહીં. સરકારી અધિકારીઓ અને રાજકીય પક્ષોએ પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે પંચે જરૂરી સૂચનાઓ પણ જાહેર કરી છે.

મતદાન માટે માન્ય ઓળખપત્રો

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાન માટે EPIC (મતદાર ઓળખપત્ર) મુખ્ય ઓળખપત્ર રહેશે. જોકે જે મતદારો પાસે મતદાર ઓળખપત્ર ઉપલબ્ધ ન હોય તેઓ આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસની ફોટાવાળી પાસબુક, આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, ભારતીય પાસપોર્ટ, પેન્શન દસ્તાવેજ, સરકારી કર્મચારીનું ઓળખપત્ર, સાંસદ-ધારાસભ્ય દ્વારા જારી ઓળખપત્ર અથવા યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) સહિત ચૂંટણી પંચ દ્વારા માન્ય અન્ય દસ્તાવેજ રજૂ કરીને મતદાન કરી શકશે.

આ પણ વાંચો: રાજકોટનાં ઉપલેટામાં થોડા વરસાદે જ ખોલી રોડના કામોની પોલ! : ખાડા, બેસી ગયેલા રસ્તા અને નબળી કામગીરીથી લોકો પરેશાન

ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે માહિતી જાહેર કરવી ફરજિયાત

ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારોને ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગેની માહિતી જાહેર કરવા અંગેની અગાઉની માર્ગદર્શિકાનું પુનરોચ્ચાર કર્યું છે. જો કોઈ ઉમેદવાર સામે ગુનાહિત કેસ નોંધાયેલા હોય તો તેની માહિતી ચૂંટણી પ્રચાર દરમિયાન ત્રણ અલગ-અલગ તબક્કામાં અખબારો, ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર જાહેર કરવી ફરજિયાત રહેશે. રાજકીય પક્ષોએ પણ આવા ઉમેદવારની પસંદગી પાછળના કારણો પોતાની સત્તાવાર વેબસાઈટ તેમજ જાહેર માધ્યમો દ્વારા પ્રસારિત કરવાના રહેશે. ચૂંટણી પંચનું માનવું છે કે મતદારોને ઉમેદવાર અંગે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થવી જોઈએ જેથી તેઓ જાણકારીના આધારે મતદાન કરી શકે.

ઉમેદવારો માટે 'નો ડ્યૂઝ સર્ટિફિકેટ' જરૂરી

ચૂંટણી પંચે ઉમેદવારોને યાદ અપાવ્યું છે કે છેલ્લા દસ વર્ષ દરમિયાન જો તેમણે સરકારી આવાસનો ઉપયોગ કર્યો હોય તો તેમને ભાડું, વીજળી, પાણી અને ટેલિફોનના બાકી બિલ અંગે સંબંધિત વિભાગ પાસેથી 'નો ડ્યૂઝ સર્ટિફિકેટ' મેળવવું જરૂરી રહેશે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે પંચે અગાઉથી માર્ગદર્શિકા જાહેર કરી છે.

રાજકીય પક્ષોમાં ઉમેદવારીને લઈને ચર્ચા તેજ

ચૂંટણીની જાહેરાત બાદ હવે મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારની પસંદગીને લઈને ચર્ચા તેજ બનવાની સંભાવના છે. ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો પોતાના જીતાઉ ઉમેદવારની પસંદગી માટે આંતરિક બેઠકો શરૂ કરી શકે છે. આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં મંજલપુરમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now