Maniesh Paul Mother Passed Away: મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય હોસ્ટ અને અભિનેતા મનીષ પોલની માતા ઉર્મિલ પોલનું 77 વર્ષની વયે નિધન થયું છે. માતાના અવસાનથી મનીષ પોલ અને તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ મુશ્કેલ સમયમાં અભિનેતાએ પોતાની લાગણીઓ સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી છે. તેમણે માતા સાથેની કેટલીક યાદગાર તસવીરો શેર કરીને એક એવી ભાવુક નોંધ લખી છે, જેને વાંચીને તેમના ચાહકો અને સેલિબ્રિટીઓ પણ ભાવુક થઈ ગયા છે. મનીષ પોલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માતા સાથેની અનેક અનમોલ ક્ષણોની તસવીરો શેર કરી હતી. પોસ્ટમાં તેમણે માતાને પોતાની જિંદગીનું પહેલું ઘર, સૌથી મોટો સહારો અને સૌથી મજબૂત મહિલા ગણાવી હતી. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને હજારો લોકો તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
'મારી માતા મારું પહેલું ઘર હતી...'
મનીષ પોલે પોતાની પોસ્ટમાં માતા પ્રત્યેનો અતૂટ પ્રેમ અને લાગણીઓ વ્યક્ત કરતાં લખ્યું કે, "આજે દુનિયા થોડી વધુ શાંત લાગી રહી છે. આજે સવારે મેં મારી માતાને અલવિદા કહી, જે મારું પહેલું ઘર હતી, મને સૌથી વધુ શાંતિ આપનારી અને મારી જિંદગીની સૌથી મજબૂત મહિલા હતી." તેમણે આગળ લખ્યું કે, માતાના જવાથી જીવનમાં સર્જાયેલું ખાલીપો શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી. જોકે માતાનો પ્રેમ, હિંમત, સદાચાર અને જીવનના પાઠ હંમેશા તેમની સાથે રહેશે. અંતમાં તેમણે લખ્યું કે, "આશા છે કે હવે તમને શાંતિ મળી હશે. મને એવો નિઃસ્વાર્થ પ્રેમ આપવા બદલ આભાર. ફરી મળીશું મા... હું તમને હંમેશા પ્રેમ કરતો રહીશ."
ચાહકો અને સેલિબ્રિટીઓએ વ્યક્ત કરી સંવેદના
મનીષ પોલની પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સંવેદનાઓનો ધોધ વહ્યો હતો. હજારો ચાહકોએ કોમેન્ટ કરીને તેમને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવા માટે પ્રાર્થના કરી હતી. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા કલાકારોએ પણ પોસ્ટ પર કોમેન્ટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતા આયુષ્માન ખુરાનાએ લખ્યું કે, "ભાઈ, આ મુશ્કેલ સમયમાં હું તારી સાથે છું. માતા હંમેશા દેવદૂત બનીને તારી સાથે રહેશે."
અનેક કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ
અભિનેતા વરુણ ધવન, મલાઈકા અરોરા, ઈશા ગુપ્તા અને રોહિત સરાફ સહિત અનેક સેલિબ્રિટીઓએ મનીષ પોલની પોસ્ટ પર હાર્ટ ઈમોજી અને સંવેદનાના સંદેશા લખીને ઉર્મિલ પોલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીએ પણ ભાવુક સંદેશ શેર કરતાં લખ્યું કે, માતાના જવાનું દુઃખ કોઈ ક્યારેય પૂરી શકતું નથી. તેમણે મનીષ અને તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત મળે તેવી પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત મૌની રોય, કીકુ શારદા, આરતી સિંહ સહિત અનેક કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર મનીષ પોલના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ
મનીષ પોલની આ પોસ્ટને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ચાહકો તેમની માતા સાથેની તસવીરો અને ભાવુક શબ્દો વાંચીને લાગણીશીલ બન્યા છે. ઘણા યુઝર્સે લખ્યું કે, માતાનું સ્થાન જીવનમાં કોઈ લઈ શકતું નથી અને આ દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન મનીષ પોલને આપે તેવી પ્રાર્થના કરી. મનોરંજન જગતના કલાકારો અને ચાહકો સતત સોશિયલ મીડિયા દ્વારા મનીષ પોલ અને તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. અભિનેતાની આ પોસ્ટ માત્ર એક શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ માતા પ્રત્યેના અતૂટ પ્રેમ અને લાગણીઓનું પણ સુંદર પ્રતિબિંબ બની છે.





