જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન PM મોદીએ આપ્યું ફિલ્મનું ઉદાહરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા હતા. અહીં ભારતીય સમુદાયને સંબોધતા તેમણે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના મજબૂત સંબંધોને સમજાવવા માટે બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'નો ઉલ્લેખ કર્યો.
'કુછ કુછ નહીં, બહુત કુછ થાય છે'
ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઇન્ડોનેશિયામાં 'કુછ કુછ હોતા હૈ' ખૂબ લોકપ્રિય છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું, "જ્યારે ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આગળ વધે છે, ત્યારે માત્ર 'કુછ કુછ' નહીં, પરંતુ 'બહુત કુછ' થાય છે." તેમના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું.
કરણ જોહરે વ્યક્ત કરી ખુશી
વડાપ્રધાન મોદીના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફિલ્મના દિગ્દર્શક કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની ક્લિપ શેર કરી હતી. કરણે લખ્યું કે, "જકાર્તામાં આપણા માનનીય વડાપ્રધાનને 'કુછ કુછ હોતા હૈ'નો ઉલ્લેખ કરતા જોઈને મને ખૂબ ગૌરવ અને ખુશી થઈ છે. પ્રેમ એવી ભાષા છે જે દરેક સરહદથી પર છે." તેમણે આ ગીત અને ફિલ્મને યાદ કરવા બદલ વડાપ્રધાનનો આભાર પણ માન્યો.
કરણ જોહરની ડેબ્યૂ ફિલ્મ હતી
1998માં રિલીઝ થયેલી 'કુછ કુછ હોતા હૈ' કરણ જોહરની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા, જ્યારે સલમાન ખાને ખાસ ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મ અને તેના ગીતો આજે પણ ભારત ઉપરાંત ઘણા એશિયન દેશોમાં લોકપ્રિય છે.
ત્રણ દેશોના પ્રવાસે છે PM મોદી
વડાપ્રધાન મોદી હાલમાં ત્રણ દેશોના પ્રવાસે છે. ઇન્ડોનેશિયા બાદ તેઓ ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડની મુલાકાત લેશે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. વેપાર, સંરક્ષણ, ટેક્નોલોજી, રોકાણ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ રહી છે.





