Home Gujarat Man Arrested For Throwing Chilli Powder In 68 Year Old Businessmans Eyes And Stealing Rs 10 Lakh Bag

હરણી–વારસિયા વિસ્તારમાં લૂંટની ચોંકાવનારી ઘટના : 68 વર્ષીય વેપારીની આંખમાં મરચું નાખી રૂ.10 લાખની બેગ ઝૂટનારો શખસ ઝડપાયો

હરણી–વારસિયા વિસ્તારમાં લૂંટની ચોંકાવનારી ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 06:06 AM IST

Harni–Varsiya Road robbery: વડોદરા શહેરના હરણી–વારસિયા રિંગરોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટી નજીક રાત્રિના સમયે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. 68 વર્ષીય વૃદ્ધ વેપારીને નિશાન બનાવી ચાર અજાણ્યા લૂંટારૂઓએ આંખમાં મરચાંની ભૂકી નાખી રોકડ ભરેલી બેગ ઝૂંટવાની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે સ્થાનિકોની સતર્કતાના કારણે એક શખસને લોકોના હાથે ઝડપવામાં આવ્યો હતો.

પીડિત વેપારીની વિગત

પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત લીલારામ રેવાણી (ઉંમર આશરે 68 વર્ષ) વ્યવસાયે વેપારી છે અને શહેરના સંગમ ચાર રસ્તા નજીક ગિફ્ટ શોપ ચલાવે છે. તેઓ રોજની જેમ રાત્રે દુકાન બંધ કરી ફોરવ્હીલર વાહન લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ઘર પાસે વાહન પાર્ક કરી નીચે ઉતરતા જ લૂંટારૂઓએ તેમને ઘેરી લીધા હતા.

કઈ રીતે બની ઘટના

લીલારામભાઈ ગાડીમાંથી ઉતરતા જ બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર યુવકો તેમની પાસે આવી પહોંચ્યા હતા. લૂંટારૂઓએ પોતાના ચહેરા કાળા કપડાથી ઢાંકેલા હતા. એક યુવકે તેમની છાતી પર ફેટ મારી હુમલો કર્યો હતો, જ્યારે બીજા યુવકે તેમની આંખમાં મરચાંની ભૂકી નાખી હતી. અચાનક થયેલા હુમલાથી તેઓ બચાવ કરી શકે તે પહેલાં લૂંટારૂઓએ ગાડીમાં રાખેલી અંદાજે રૂ. 10 લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિકોની સતર્કતા અને એક શખસ ઝડપાયો

પીડિતના બૂમાબૂમના અવાજથી આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો થતાં લૂંટારૂઓ ગભરાઈ ગયા હતા. આ દરમિયાન એક શખસને લોકોએ પકડી લીધો હતો, જ્યારે તેના અન્ય સાથીદારો ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી એક નવી લાગતી એક્ટિવા મળી આવી હતી, જેમાં નંબર પ્લેટ, પકડ અને કેટલાક કાગળો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ

પીડિતના સંબંધી પુરુષોત્તમભાઈ પીતાંબરદાસ ટિલવાણીએ જણાવ્યું કે, આંખમાં મરચાં પડતા લીલારામભાઈને ભારે તકલીફ થઈ હતી અને તેમને તરત જ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સાથે જ 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પકડાયેલા શખસની પૂછપરછ ચાલી રહી છે અને ફરાર લૂંટારૂઓને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now