Home Gujarat Man Arrested For Threatening To Make Clinics Cctv Video Viral In Paldi

પાલડીમાં ક્લિનિકના CCTV વીડિયો વાયરલની ધમકી આપતો શખ્સ ઝડપાયો : ડોક્ટરને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા, આખરે પોલીસ સંકજામાં

પાલડીમાં ક્લિનિકના CCTV વીડિયો વાયરલની ધમકી આપતો શખ્સ ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 07:32 AM IST

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં રહેતા આધેડ વયના એક ડોક્ટરને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી એક વીડિયો મોકલવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ડોક્ટરના ક્લિનિકના સીસીટીવી ફૂટેજ હતા, જેમાં તેઓ બોડી મસાજ કરાવતા દેખાતા હતા. વીડિયો મોકલનાર શખસે આવી અનેક ક્લિપ્સ હોવાનો દાવો કરીને ડોક્ટરને ડરાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેણે આખું ફોલ્ડર તૈયાર કર્યું છે. આ ફૂટેજ ડિલીટ કરવા માટે આરોપીએ શરૂઆતમાં 35 હજાર રૂપિયાની માંગણી કરી હતી. સાથે જ પૈસા નહીં આપે તો સમાજના વોટ્સએપ ગ્રુપમાં વીડિયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.

'અગર ઘી સીધી ઉંગલી સે નહી નીકલેગા તો ટેઢી કરની પડેગી' ની ધમકી

ગભરાયેલા ડોક્ટરે પોતાનો મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. ત્યારબાદ આરોપીઓએ અન્ય નંબર પરથી ફરી એક વીડિયો મોકલી સાથે ઓનલાઇન પેમેન્ટનું સ્કેનર પણ મોકલ્યું હતું. વોટ્સએપ પરથી વારંવાર પૈસાની માંગણી ચાલુ રહેતાં ડોક્ટરે તે નંબર પણ બ્લોક કરી દીધો હતો. જોકે, ભયના કારણે ડોક્ટરે પાંચ હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. બાદમાં ઓનલાઇન પેમેન્ટની મર્યાદા હોવાનું કહી આરોપીઓએ બેંક એકાઉન્ટની વિગતો મોકલી 40 હજાર રૂપિયાની વધુ માંગણી કરી હતી.

આ ઘટનાથી વ્યથિત ડોક્ટરે પોતાના પરિચિતો અને મિત્રો સાથે ચર્ચા કર્યા બાદ સમગ્ર મામલે પોલીસમાં અરજી કરી હતી. ડોક્ટરે વધુ રૂપિયા આપવાનો ઇનકાર કરતા આરોપીએ “અગર ઘી સીધી ઉંગલી સે નહી નીકલેગા તો ટેઢી કરની પડેગી” જેવા ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ એક ફેસબુક પેજનો ફોટો પણ મોકલ્યો હતો, જે પેજ તપાસતા તેમાં ડોક્ટરની ક્લિનિક અને તેમની વિગતો સાથે અગાઉ મોકલેલા વીડિયો અપલોડ કરાયેલા હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરની ફરિયાદના આધારે પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે અબ્દુલ વહાબ સૈયદ નામના આરોપીની ધરપકડ કરી

આ મામલે પાલડી પોલીસે અબ્દુલ વહાબ સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ખુલ્યું હતું કે આરોપી અગાઉ અમદાવાદમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ કરતો હતો અને તે દરમિયાન તેણે આ ડોક્ટરના ક્લિનિકમાં પણ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આરોપીના દીકરાની તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે રૂપિયાની જરૂર હતી, જેના કારણે તેણે ક્લિનિકના સીસીટીવી ફૂટેજનો દુરુપયોગ કરી ડોક્ટરને બ્લેકમેઈલ કર્યા હતા. રૂપિયા નહીં આપે તો મસાજના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેણે આ ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી અમદાવાદ છોડીને પોલ્ટ્રી ફાર્મમાં નોકરી કરતો હતો અને ઓછી આવક તેમજ ઘરમાં બીમારી ચાલતી હોવાના કારણે તેણે રૂપિયા મેળવવા આ કૃત્ય કર્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પાલડી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર