ચૂંટણી પછીની હિંસા વિરુદ્ધ મમતા બેનર્જી પોતે વકીલના ડ્રેસમાં હાઈકોર્ટ પહોંચ્યા, 21 May થી મોટા આંદોલનની જાહેરાત
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રિમો મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા રાજકીય પ્રહારો કર્યા છે. કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને પક્ષના ધારાસભ્યોની બેઠકને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટો દાવો કરતા કહ્યું કે, "આવનારા દિવસોમાં ભાજપ સરકારને દિલ્હી (કેન્દ્ર) ની સત્તા પરથી પણ હટાવી દેવામાં આવશે."
તેમણે ઉમેર્યું કે બંગાળમાં ભલે TMCનું 15 વર્ષનું શાસન ખતમ થયું હોય અને ભાજપની 207 બેઠકો સામે TMC માત્ર 80 બેઠકો પર સિમિત થઈ હોય, પરંતુ ભાજપ સામે તેમની લડાઈ અટકશે નહીં.
વકીલના વેશમાં હાઈકોર્ટ પહોંચ્યા મમતા બેનર્જી
ચૂંટણી પરિણામો બાદ કોલકાતા, હાવડા અને અન્ય જિલ્લાઓમાં થયેલી કથિત હિંસા, આગજની અને તોડફોડ મામલે TMCએ કાનૂની માર્ગ અપનાવ્યો છે. પક્ષના કાર્યકરો અને ઓફિસો પર થઈ રહેલા હુમલા અટકાવવા માટે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુજોય પોલ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલાની ગંભીરતાને જોતા, 14 May ના રોજ મમતા બેનર્જી પોતે વકીલનો પોશાક (કાળો ગાઉન) પહેરીને કલકત્તા હાઈકોર્ટમાં પક્ષ રજૂ કરવા હાજર થયા હતા. TMCએ હિંસાનો ભોગ બનેલા પરિવારો માટે સુરક્ષા અને કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
કોલકાતામાં 21 May થી મોટા જન-આંદોલનની જાહેરાત
મમતા બેનર્જીએ વર્તમાન શુભેન્દુ અધિકારી સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યમાં લઘુમતી સમુદાયો અને રસ્તા કિનારે દુકાન લગાવતા ગરીબ હોકર્સને જાણી જોઈને નિશાન બનાવીને 'બુલડોઝર સંસ્કૃતિ' ચલાવવામાં આવી રહી છે. આ તાનાશાહી વિરુદ્ધ TMC દ્વારા 21 May 2026 થી કોલકાતાના બલીગંજ, હાવડા જંક્શન અને સિયાલદહ રેલવે સ્ટેશનની આસપાસ મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે.
અભિષેક બેનર્જીનો મુખ્યમંત્રી પર સીધો હુમલો
બીજી તરફ TMCના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીએ પણ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, "રાજ્યે ઘણા મુખ્યમંત્રી જોયા છે, પરંતુ વર્તમાન સીએમ જેવા કોઈ નથી. જે વ્યક્તિ કેમેરા પર કથિત રીતે પૈસા લેતા ઝડપાયો હતો, તેને મુખ્યમંત્રી બનાવી દેવાયો છે." તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ ભલે ગમે તેટલી નોટિસો મોકલે, તેઓ ઝૂકશે નહીં અને પોતાની લડાઈ ચાલુ રાખશે.






