Home International Makar Sankranti 2026 Know How Uttarayan Festival Is Celebrated In Other Countries Of The World

ગુજરાતના “કાયપો છે”થી અમેરિકાના આકર્ષક પતંગો સુધી : જાણો દુનિયાના અન્ય દેશોમાં કેવી રીતે થાય છે ઉત્તરાયણ પર્વની ઉજવણી

ગુજરાતના “કાયપો છે”થી અમેરિકાના આકર્ષક પતંગો સુધી
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2026, 02:30 AM IST

Uttarayan 2026: ગુજરાતમાં ઉત્તરાયણ એટલે આકાશમાં રંગબેરંગી પતંગોની ધૂમ, “કાયપો છે”ના નારા અને તલ-ગોળની મીઠાસથી ભરેલો તહેવાર. પરંતુ આ પર્વ માત્ર ગુજરાત કે ભારત સુધી મર્યાદિત નથી – વિશ્વના અનેક દેશોમાં પણ પતંગ ચગાવવાની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. ક્યાંક તે ધાર્મિક માન્યતા સાથે જોડાયેલો છે, ક્યાંક સારા પાક માટેની પ્રાર્થના તરીકે, તો ક્યાંક મનોરંજન અને સ્પર્ધા તરીકે. જાપાનથી ચીન, અમેરિકાથી ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડથી શ્રીલંકા-નેપાળ સુધી – દરેક દેશમાં પતંગોત્સવની પોતાની અનોખી શૈલી અને મહત્વ છે. આ પર્વ માત્ર મનોરંજન નથી, પરંતુ કુદરત, ધર્મ અને સંસ્કૃતિનો સુંદર સંગમ છે. ઉત્તરાયણના આ શુભ અવસરે જાણીએ વિશ્વભરમાં આ તહેવાર કેવી રીતે ઉજવાય છે અને તેની પાછળની રસપ્રદ વાતો.

જાપાન: દેવતાઓને પ્રસન્ન કરવા માટે પતંગોત્સવ

ટેક્નોલોજીનો દેશ જાપાન પણ પતંગરસિયા છે. અહીં મે મહિનામાં વિવિધ આકાર અને રંગની પતંગો ચગાવવાની સ્પર્ધાઓ યોજાય છે. જાપાનીઓ માને છે કે પતંગ ઉડાડવાથી તેમના દેવી-દેવતા પ્રસન્ન થાય છે. આ સ્પર્ધાઓમાં અન્ય દેશોના લોકો પણ ઉત્સાહથી ભાગ લે છે.

અમેરિકા: આકર્ષક અને વૈજ્ઞાનિક પતંગો

અમેરિકામાં પતંગો રેશમી કે પ્લાસ્ટિકની બનેલી હોય છે અને તેનો ડિઝાઇન ખૂબ આકર્ષક હોય છે. જૂન મહિનામાં પતંગ સ્પર્ધાઓ યોજાય છે, જેમાં દેશ-વિદેશના લોકો ભાગ લે છે. ઇતિહાસમાં અમેરિકનોએ પતંગોનો ઉપયોગ વૈજ્ઞાનિક અને લશ્કરી હેતુઓ માટે પણ કર્યો છે.

ઇન્ડોનેશિયા: સારા પાક માટેની પ્રાર્થના સાથે પતંગોત્સવ

બાલીના સાનૂર બીચ પર દર વર્ષે કાઇટ ફેસ્ટિવલ યોજાય છે. અહીંના ખેડૂતો સારા પાક માટે પતંગ ચગાવે છે. માછલી (બીબેન), પાંદડાં (પેસુકાન) અને પક્ષી (જંગ્ગાન) આકારની પતંગો ઉડાડવામાં આવે છે. આ ઉત્સવ 1985થી ચાલુ છે અને પર્યટકોને ખૂબ આકર્ષે છે.

ચીન: પતંગની શોધનો દેશ અને વિશ્વપ્રસિદ્ધ ફેસ્ટિવલ

ચીનમાં પતંગની શોધ 3000 વર્ષ પહેલાં થઈ હતી. અહીં સપ્ટેમ્બરમાં વેફન્ગ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાય છે (20-25 એપ્રિલ). આ ફેસ્ટિવલ 1988થી ચાલુ છે. અહીં સંદેશા અને સ્લોગનવાળી પતંગો વધુ લોકપ્રિય છે અને સિંગર્સ-ડાન્સર્સના પર્ફોર્મન્સ પણ થાય છે.

થાઇલેન્ડ: રાજાઓની ઓળખ અને સુખ-શાંતિ માટે પતંગ

થાઇલેન્ડમાં રાજાઓની પોતાની ખાસ પતંગો હતી, જે તેમની ઓળખ બનતી હતી. ઠંડીમાં સુખ-શાંતિ માટે પતંગ ઉડાડવામાં આવે છે. પટાયા શહેરમાં સોંગક્રાન સમયે 10 દિવસ સુધી વિવિધ આકાર-રંગની પતંગો ઉડાવવામાં આવે છે.

શ્રીલંકા: પોંગલ સાથે પતંગોત્સવ

શ્રીલંકામાં જાન્યુઆરીમાં પતંગોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાય છે. તમિલ વિસ્તારોમાં તેને પોંગલ કહેવાય છે. જાફના પ્રાંતમાં પતંગબાજીની સ્પર્ધા યોજાય છે અને દેશ-વિદેશથી લોકો આવે છે.

નેપાળ: સારા પાક માટેની પ્રાર્થના અને પૂજા

નેપાળમાં મકરસંક્રાંતિને માઘે સંક્રાંતિ કે માઘી કહેવાય છે. ખેડૂતો સારા પાક માટે ભગવાનને ધન્યવાદ આપે છે અને ખેતરોમાં પૂજા કરે છે. અન્નદેવતાને પ્રસન્ન કરવા માટે આ પર્વ ઉજવાય છે. ઉત્તરાયણનો આ તહેવાર વિશ્વભરમાં એકતા અને ખુશીઓનો સંદેશ આપે છે. તમારા દેશમાં કેવી રીતે ઉજવાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now