Ahmedabad Crime News : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના વધતા વેપાર અને સેવન સામે કડક કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સંયુક્ત રીતે વિશાળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ચાલેલા આ સઘન અભિયાનમાં કુલ 21 ગુનાહિત કેસ નોંધાયા છે અને ₹1 કરોડથી વધુની કિંમતનો નશીલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિ
આ સંયુક્ત ઓપરેશન અમદાવાદ પોલીસની ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિને સ્પષ્ટ રીતે દર્શાવે છે. આ કાર્યવાહી માત્ર નશીલા પદાર્થો પકડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ડ્રગ્સના સમગ્ર સપ્લાય ચેઈનને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ પેડલર્સ સહિત કુલ 25થી વધુ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. દરોડા દરમિયાન મુખ્યત્વે મેફેડ્રોન (MD), ગાંજો અને ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે, જેની કુલ કિંમત ₹1 કરોડથી વધુ હોવાનું અંદાજવામાં આવ્યું છે.
નાર્કો-ફાઇનાન્સ પર ખાસ ધ્યાન
આ વખતની કાર્યવાહીનું એક મહત્વપૂર્ણ પાસું એ છે કે ક્રાઈમ બ્રાન્ચ અને SOG દ્વારા પ્રથમ વખત નાર્કો-ફાઇનાન્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. માત્ર ડ્રગ્સ જપ્ત કરવા બદલે હવે ડ્રગ્સના ગેરકાયદે નફાની મની ટ્રેલ શોધવામાં આવી રહી છે. ડ્રગ્સમાંથી મળતા પૈસા કેવી રીતે લોન્ડરિંગ થાય છે અને ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાય છે, તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ રીતે ગુનાહિત સિન્ડિકેટની આર્થિક કરોડરજ્જુ તોડવાનો તંત્રનો પ્રયાસ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હવે માત્ર મોટા વેપારીઓ નહીં, પરંતુ નાની માત્રામાં નશીલા પદાર્થો રાખનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વ્યસનીઓ માટે માનવીય અભિગમ
કડક કાયદાકીય કાર્યવાહી સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચે વ્યસનથી પીડાતા લોકો માટે માનવીય અભિગમ પણ અપનાવ્યો છે. ડ્રગ પેડલર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ જે વ્યસનીઓ સ્વેચ્છાએ વ્યસનમુક્તિ માટે આગળ આવે છે, તેમને પુનઃવસન માટે સહયોગ આપવામાં આવશે. NDPS એક્ટની કલમ 64A મુજબ, જો કોઈ વ્યસની વ્યક્તિ નાની માત્રામાં ડ્રગ્સ રાખવા અથવા સેવન (કલમ 27)ના ગુનામાં સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાં સારવાર માટે તૈયાર થાય, તો તેને કાયદેસરની કાર્યવાહીમાંથી મુક્તિ મળી શકે છે.





















