Home Gujarat Maintenance Worker Dies After Falling From 17th Floor

વડોદરામાં 17 મા માળેથી પટકાતા મેન્ટેનન્સ કર્મચારીનું મોત : અઠવાડિયામાં બીજી ઘટના, સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો

વડોદરામાં 17 મા માળેથી પટકાતા મેન્ટેનન્સ કર્મચારીનું મોત
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 10:11 AM IST

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટર ખાતે ફરી એક વખત દુર્ઘટનાએ માથું ઊંચક્યું છે. લિફ્ટ મેન્ટેનન્સ દરમિયાન 17 મા માળેથી નીચે પટકાતા 30 વર્ષીય કર્મચારીનું કમકમાટીભર્યું મોત થયું છે. અઠવાડિયા અગાઉ પણ અહીંથી એક યુવકનું પડી જવાથી મોત નિપજ્યું હતું, જેને કારણે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઊભા થયા છે.

મૃતકની ઓળખ શાર્દુલ અલી તરીકે થઈ છે. મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી શાર્દુલ છેલ્લા 5 વર્ષથી અગોરા સિટી સેન્ટરના મેન્ટેનન્સ વિભાગમાં કાર્યરત હતા. ઘટનાના દિવસે તેઓ 17 મા માળે લિફ્ટની પુલીમાં વાયર બદલવાનું કામ કરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વાયર ખેંચતી વખતે તેમનું સંતુલન બગડ્યું અને તેઓ સીધા લિફ્ટના શાફ્ટમાં નીચે પટકાયા. ઊંચાઈ પરથી પડવાને કારણે ગંભીર ફ્રેક્ચર તથા આંતરિક ઇજાઓ થતાં સ્થળ પર જ તેમનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં સમા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને સુરક્ષા પ્રોટોકોલ અંગે પણ તપાસ હાથ ધરી છે.

શાર્દુલના લગ્નને હજુ આઠથી નવ મહિના જ થયા હતા. તેમની પત્ની સુમૈયા થોડા સમય પહેલા જ વડોદરા રહેવા આવી હતી. પતિના અચાનક અવસાનના સમાચાર મળતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આક્રંદ સાથે કહ્યું હતું કે, “મને કંઈ ન જોઈએ, મારે મારો પતિ પાછો જોઈએ.” પત્નીએ વધુમાં જણાવ્યું કે તેમને ઘટનાની સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, સાત દિવસ પહેલાં પણ અહીં એક અન્ય યુવક હિતેન્દ્ર પરમાર દીવાલ પરથી પટકાતા મોતને ભેટ્યો હતો. સતત બે દુર્ઘટનાઓ બાદ બિલ્ડિંગની સલામતી વ્યવસ્થાઓ અંગે પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. પોલીસે બંને બનાવોની વિગતવાર તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now