Surat News: શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં થયેલી હિંમતભરી લૂંટના મામલે દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન હવે બેંકની બહારના નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આખી ઘટનાનો ચોંકાવનારો ક્રમ જોવા મળ્યો છે.
CCTV ફૂટેજમાં થયો મોટો ખુલાસો
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે લૂંટારૂઓની સંખ્યા ઓછી હશે, પરંતુ નવા ફૂટેજમાં સ્પષ્ટ થયું છે કે કુલ 7 લૂંટારૂઓ આ કાંડમાં સામેલ હતા. આ ટોળકીએ અત્યંત વ્યવસ્થિત પ્લાનિંગ સાથે બેંકને નિશાન બનાવી હતી.
ગનમેનની હાજરી છતાં લૂંટારૂઓ બેખોફ
આ ઘટનાની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે બેંકની સુરક્ષા માટે તૈનાત બે ગનમેનની હાજરીમાં જ લૂંટારૂઓ લૂંટ ચલાવીને બિન્દાસ્ત રીતે ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ પાસે હથિયારો હતા કે કેમ અને ગનમેને તેમને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો, તે દિશામાં પણ પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
પોલીસ તપાસ તેજ
વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પરના CCTV ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસને શંકા છે કે આ કોઈ વ્યવસાયિક ગેંગનું કામ હોઈ શકે છે જેણે અગાઉ બેંકની રેકી કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય : અકસ્માતમાં મદદ કરનારને હવે પોલીસ કે હોસ્પિટલ હેરાન નહીં કરે, જાણો નવી ગાઇડલાઇન
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે "અમે નવા CCTV ફૂટેજ કબજે કર્યા છે અને લૂંટારૂઓના ભાગવાના રૂટને ટ્રેસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે." આ ઘટનાને પગલે સુરતના વેપારી મથક એવા વરાછા વિસ્તારમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સુરત પોલીસ આ 7 લૂંટારૂઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.





