Home Gujarat Mahisagar Nal Se Jal Yojana Scam

મહીસાગર નલ સે જલ યોજના કૌભાંડ : બે સબ કોન્ટ્રાક્ટરને દબોચી લેવાયા, થયો મોટો ખુલાસો!

મહીસાગર નલ સે જલ યોજના કૌભાંડ
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 10:37 AM IST

Mahisagar Nal Se Jal Scam: મહીસાગર જિલ્લામાં સામે આવેલા મસમોટા 123 કરોડ રૂપિયાના નળ સે જળ યોજનાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મહત્વની સફળતા મેળવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો પૈકી વધુ બે સબ કોન્ટ્રાક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને સબ કોન્ટ્રાક્ટરો કૌભાંડી મુખ્ય કોન્ટ્રાક્ટર બી.વી. ચૌધરીની એજન્સીમાં કામ કરતા હતા અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તેમને બાયડ ખાતેથી ધરપકડ કરી છે.

બે સબ કોન્ટ્રાક્ટર ઝડપાયા

આ કેસમાં મુખ્ય કૌભાંડી કોન્ટ્રાક્ટર બી વી ચૌધરી સામે 8,01,34,966.63 રૂપિયાની માતબર રકમની રિકવરી બાકી હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે 22 જૂને હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ બરોડા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં આ કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 18 કૌભાંડીઓને ઝડપી પાડ્યા છે. જેમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારીઓ પૈકી 4 કર્મચારીઓ તેમજ કૌભાંડમાં સંડોવાયેલા 111 ઇજારેદારો પૈકી 14 ઇજારેદારોનો સમાવેશ થાય છે. સીઆઈડીની કડક કાર્યવાહીથી કૌભાંડીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને ઘણા આરોપીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

સંડોવાયેલા તત્કાલીન સરપંચો અને તલાટીઓની યાદી બહાર આવી શકે

આ કેસમાં અત્યાર સુધીમાં 16 કૌભાંડીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તમામ 16 અરજીઓને ફગાવી નામંજૂર કરી દીધી છે. અન્ય આરોપીઓની આગોતરા જામીનની અરજીઓ પર હાલ સુનાવણી ચાલુ છે. વધુમાં, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન સરપંચો અને તલાટીઓની યાદી પણ મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે, જેના આધારે આગામી દિવસોમાં વધુ તપાસ અને કાર્યવાહી થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now