Home Business Mahindra Joins Hands With Airbus To Manufacture H130 Helicopte

મહિન્દ્રાએ એરબસની સાથે મિલાવ્યો હાથ : H130 હેલિકોપ્ટરનું થશે ભારતમાં નિર્માણ

મહિન્દ્રાએ એરબસની સાથે મિલાવ્યો હાથ
Published by: OBS Bureau
Last Updated: Apr 10, 2025, 02:34 PM IST

મહિન્દ્રા એરોસ્ટ્રક્ચર્સ સિંગલ-એન્જિન એરબસ H130 હેલિકોપ્ટર માટે ફ્યુઝલેજનું ઉત્પાદન કરશે. તેનું પહેલું યુનિટ માર્ચ 2027 સુધીમાં પૂરું પાડવામાં આવે તેવી અપેક્ષા છે. આ ભારતમાં સ્વદેશી એરોસ્પેસ ઉત્પાદન પ્રવૃત્તિઓ માટે એક મોટું પ્રોત્સાહન હશે. આઠ સીટવાળું H130 એક લોકપ્રિય હેલિકોપ્ટર છે જેનો ઉપયોગ પરિવહન, પર્યટન, તબીબી, દેખરેખ અને ખાનગી ઉડ્ડયન પ્રવૃત્તિઓ માટે થાય છે.

કંપની વાર્ષિક 60-70 H130 ફ્યુઝલેજનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ કરી હતી. તેમણે કહ્યું કે H130 હેલિકોપ્ટરના ઉત્પાદન અને એસેમ્બલી માટેનો કરાર એરબસ જેવી વૈશ્વિક કંપનીઓના ભારતીય ઉદ્યોગની ક્ષમતાઓમાં વિશ્વાસનો પુરાવો છે.

આ કરાર હેઠળ મહિન્દ્રા અને મહિન્દ્રા H130 હેલિકોપ્ટરની મુખ્ય એસેમ્બલીનું ઉત્પાદન કરશે, જેને યુરોપમાં એરબસ હેલિકોપ્ટરની સુવિધાઓમાં મોકલવામાં આવશે. મહિન્દ્રા એરોસ્ટ્રક્ચર્સ અનુસાર પ્રથમ કેબિન એસેમ્બલી માર્ચ 2027 સુધીમાં ડિલિવર થવાની છે. આ પ્રસંગે એરબસ ઇન્ડિયાના પ્રમુખ અને દક્ષિણ એશિયા ક્ષેત્રના મેનેજિંગ ડિરેક્ટર, રેમી મેલાર્ડે જણાવ્યું હતું કે એરબસ ભારતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે અને 2030 પહેલા ભારતના ભાગો અને સેવાઓની ખરીદીને બે અબજ ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક ધરાવે છે.

૨૦૨૪માં ભારતમાંથી ખરીદી ૧.૪ બિલિયન ડોલર રહી, જે 2023માં 1 બિલિયન ડોલર અને ૨૦૧૯માં ૫૦ કરોડ ડોલર હતી. મહિન્દ્રા ગ્રુપ પહેલાથી જ એરબસ કોમર્શિયલ એરક્રાફ્ટ પ્રોગ્રામ માટે વિવિધ ભાગો અને સબ-એસેમ્બલી સપ્લાય કરે છે.

ભારત વિશ્વનું સૌથી મોટું ઉડ્ડયન બજાર બનવા તરફ વધી રહ્યું છે આગળ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા નાગરિક ઉડ્ડયન બજારોમાંનું એક બનવા માટે તૈયાર છે. આગામી 20 વર્ષમાં 2200 થી વધુ વિમાનો કાફલામાં જોડાય તેવી અપેક્ષા છે. ભારત 2030 સુધીમાં વાર્ષિક 630 મિલિયન મુસાફરોનું સંચાલન કરશે, જે વાર્ષિક 6-8% ના દરે વધશે. આગામી 10-15 વર્ષોમાં સ્થાનિક એરોસ્પેસ ઉત્પાદન બજાર $10 બિલિયનના ઉદ્યોગમાં વિકસવાની અપેક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now