Mahakumbh Viral Girl Monalisa: વર્ષ 2025ના મહાકુંભ મેળામાં રુદ્રાક્ષની માળા વેચતી વખતે પોતાની સુંદરતાથી રાતોરાત સોશિયલ મીડિયા પર ફેમસ થયેલી મોનાલિસા ઉર્ફે 'વાયરલ ગર્લ' ફરી એકવાર મોટા વિવાદમાં ફસાઈ છે. મોનાલિસાએ તાજેતરમાં જ મુસ્લિમ યુવક ફરમાન ખાન સાથે લગ્ન કરીને સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવ્યો હતો. જોકે, હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે કે લગ્ન સમયે મોનાલિસા સગીર વયની હતી. આ સત્ય બહાર આવતા જ તેના પતિ ફરમાન ખાનની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે અને તેની સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ (NCST) ની તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે લગ્નની નોંધણી માટે રજૂ કરવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર બનાવટી હતું. આ ઘટનાએ માત્ર કાયદાકીય જ નહીં પણ સામાજિક વિવાદ પણ છેડ્યો છે. પારધી સમાજની મહિલાઓએ આ લગ્નને રદ કરવાની માંગ સાથે મોરચો માંડ્યો છે, જેના કારણે આ કેસ હવે હાઈપ્રોફાઈલ બની ગયો છે. તપાસમાં જે વિગતો સામે આવી છે તે મુજબ મોનાલિસાના લગ્ન કાયદાકીય રીતે અમાન્ય ઠરી શકે છે અને તેના પતિને લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડી શકે છે.
તપાસમાં મોટો ધડાકો: લગ્ન સમયે ઉંમર માત્ર 16 વર્ષ
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) દ્વારા હોસ્પિટલના રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવતા જાણવા મળ્યું છે કે મોનાલિસાનો જન્મ 30 ડિસેમ્બર 2009ના રોજ થયો હતો. આ હિસાબે 11 માર્ચ 2026ના રોજ જ્યારે તેના લગ્ન થયા, ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ, 2 મહિના અને 12 દિવસની જ હતી. ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રાએ અગાઉ જ આશંકા વ્યક્ત કરી હતી કે મોનાલિસા સગીર છે, જે હવે સત્તાવાર તપાસમાં સાચી સાબિત થઈ છે.

ફરમાન ખાન સામે P-O-C-S-O અને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR
મોનાલિસા સગીર હોવાનો પુરાવો મળતા જ મધ્ય પ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનમાં તેના પતિ ફરમાન ખાન સામે પોક્સો કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, તેની સામે SC-ST એટ્રોસિટી વિરોધી કાયદો, અપહરણ અને દસ્તાવેજો સાથે છેડછાડ કરવા બદલ BNS ની વિવિધ કલમો પણ લગાવવામાં આવી છે. કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો આ ગુનાઓ સાબિત થશે તો ફરમાન ખાનને 10 વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે.
આ પણ વાંચો: મથુરા બોટ અકસ્માતનું કારણ આવ્યું સામે : જાણો કેવી રીતે બની હતી ભયાનક ઘટના
બનાવટી દસ્તાવેજોનો ખેલ અને અધિકારીઓને સમન્સ
આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે લગ્નની નોંધણી પંચાયત ઓફિસમાં કરાવવા માટે જન્મનું બનાવટી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ ગંભીર ક્ષતિને ધ્યાનમાં રાખીને કમિશને કેરળ અને મધ્ય પ્રદેશના ડીજીપી (DGP) ને આગામી 22 એપ્રિલના રોજ હેડક્વાર્ટરમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યા છે. કમિશન એ જાણવા માંગે છે કે સગીર વયની યુવતીના લગ્ન કેવી રીતે નોંધાયા અને તેમાં કયા અધિકારીઓની બેદરકારી હતી.
પારધી સમાજનો ઉગ્ર વિરોધ: રાજ્યપાલને આવેદન
મોનાલિસા પારધી સમાજ સાથે જોડાયેલી હોવાથી આ મામલો સામાજિક સ્તરે પણ ગરમાયો છે. મધ્ય પ્રદેશના બૈતૂલની પારધી સમાજની મહિલાઓએ આ લગ્નને ગેરકાયદે ગણાવીને રદ કરવાની માંગ કરી છે. મહિલાઓએ કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે મોનાલિસાનું બ્રેનવોશ કરીને તેને ફસાવવામાં આવી છે. બીજી તરફ, મોનાલિસાના પરિવારે પણ દાવો કર્યો છે કે તેને લલચાવી ફોસલાવીને આ લગ્ન કરાવવામાં આવ્યા છે.






