Groundnut crop government guidelines: પાકમાં રોગ – જીવાતથી થતા નુકસાનને અટકાવવા રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહી છે. જે અંતર્ગત ઉનાળુ મગફળીના પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટે લેવાના વિવિધ પગલાં વિશે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
રાસાયણિક દવાનો ઉપયોગ ટાળવો
આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ ઉનાળુ મગફળીના ઉભા પાકમાં રોગ તથા જીવાતના અસરકારક નિયંત્રણ માટે આવશ્યક પગલાં લેવા જોઇએ. મોલો જેવા જીવાતોના નિયંત્રણમાં પરભક્ષી કીટકો – દાળીયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જો દાળીયાની વસ્તી વધારે હોય તો રાસાયણિક દવાનો ઉપયોગ ટાળવો. મોલો-મશી માટે જરૂર જણાય ત્યારે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ઈમીડાકલોપ્રિડ 17.8 એસ.એલ - 5 મીલી, એસીટામાપ્રિડ - 2 ગ્રામ અથવા થાયોમેથોક્ષામ ૫ ગ્રામ પૈકી કોઈપણ એક દવા 10 લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો જોઇએ.
આ ઉપરાંત સફેદ ઘૈણના નિયંત્રણ માટે ઉભા પાકમાં ક્વીનાલફોસ 25 ઈસી અથવા કલોરપાયરીફોસ 20 ઈસી દવા હેક્ટરે 4 લીટર મુજબ પિયત સાથે આપવી જોઇએ. લશ્કરી ઈયળના નિયંત્રણ માટે શરૂઆતથી જ હેક્ટરે પાંચ મુજબ ફેરોમોન ટ્રેપ લગાવવી. જીવાત ક્ષમ્યમાત્રાએ પહોંચે કે તરત જ નિયંત્રણ માટે લીંબોળીના મીજનું 5 ટકા દ્રાવણનો છંટકાવ કરવો. રાસાયણિક નિયંત્રણ માટે ક્વીનાલફોસ 25 ઈસી અથવા કલોરપાયરીફોસ 20 ઈસી દવા 20 મીલી પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો જોઇએ.
રોગના રાસાયણિક નિયંત્રણ માટે
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મગફળીમાં પાનના ટપકાના રોગના નિયંત્રણ માટે ઉગાવાના 30, 50 અને 70 દિવસે લીમડાના તાજા પાનના રસનું 1 ટકા દ્રાવણ છંટકાવ કરવું. ટીકકા અને ગેરૂ રોગના રાસાયણિક નિયંત્રણ માટે કાર્બેન્ડેઝીમ 50 ટકા વે.પા. - 15 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ 50 ટકા વે.પા. - 20 ગ્રામ દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી 15 દિવસના અંતરે બે વખત છંટકાવ કરવો જોઇએ.
આ દવાઓના વપરાશ સમયે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી રાખવી જોઇએ. વધુ વિગતો મેળવવા ખેડૂતોએ તેમના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક – વિસ્તરણ અથવા નાયબ ખેતી નિયામક -તાલીમનો સંપર્ક કરવા ખેતી નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.





