Madhya Pradesh: મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલા બાગેશ્વર ધામમાં વધુ એક દુર્ઘટના સર્જાઈ છે. બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થઈ, જેના કારણે એક મહિલાનું મોત થયું અને 10 લોકો ઘાયલ થયા છે. લગભગ 5 દિવસ પહેલા અહીં તંબુ તૂટી પડવાથી એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલા ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાની વિગતો છે. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી રહી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
દીવાલ ધરાશાયી થઈ અને...!
મળતી માહિતી મુજબ, ધર્મશાળામાં લોકો આરામથી ઉંઘી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. દીવાલ પડતાં ઘણા લોકો નીચે દટાઈ ગયા હતા, જેમાંથી અનિતા દેવી ખારવાર (40)નું મોત નીપજ્યું હતું. લગભગ 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃતક મહિલાની ઓળખ રાજુની પત્ની અનિતા દેવી ખારવાર (40) તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અદલહાટ ગામની રહેવાસી હતી. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે 'જ્યારે તેઓ સૂતા હતા, ત્યારે તેમના પર દીવાલ અચાનક તૂટી પડી હતી'
સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે
અકસ્માતની માહિતી મળતાં, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 5 દિવસ પહેલા એટલે કે 3 જુલાઈના રોજ બાગેશ્વર ધામ પરિસરમાં એક તંબુ પણ તૂટી પડ્યો હતો. લોખંડનો એંગલ માથામાં વાગવાથી એક ભક્તનું મોત થયું હતું, જ્યારે ભાગદોડમાં 8 લોકો ઘાયલ થયા હતા.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
આ અકસ્માત અંગે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન પણ બહાર પાડ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે 'ભારે વરસાદ અને તોફાનના કારણે આ અકસ્માત તંબુમાં સર્જાયો હતો. તે ખૂબ જ દુઃખદ છે' તેમણે અકસ્માત બાદ તેમના તમામ કાર્યક્રમો રદ કરવાની પણ જાહેરાત કરી હતી.






