રસોડામાં લાશ મળતા જ શરૂ થશે મોટો કાંડ, જૂનમાં ધમાકો કરવા આવી રહી છે અનોખી ત્રિપુટી
બોલિવૂડની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિતના May 15 ના રોજ ઉજવાયેલા 59 મા જન્મદિવસે ચાહકોને એક શાનદાર ગિફ્ટ મળી છે. ઓટીટી પ્લેટફોર્મ Netflix દ્વારા માધુરી દીક્ષિત અને નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીની આગામી મોસ્ટ અવેટેડ ક્રાઈમ-કોમેડી ફિલ્મ 'Maa Behen' ની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આગામી June 4 ના રોજ ઓટીટી પર ધૂમ મચાવવા માટે સંપૂર્ણ તૈયાર છે.
રસોડામાં છુપાયેલી લાશ અને શરૂ થશે અંધાધૂંધી
આ ફિલ્મની વાર્તા એક સિંગલ મધર રેખા (માધુરી દીક્ષિત) અને તેની બે પુત્રીઓ જયા (તૃપ્તિ ડિમરી) અને સુષ્મા (ડિજિટલ ઇન્ફ્લુએન્સર ધારણા દુર્ગા) ની આસપાસ ફરે છે. સામાન્ય જીવન જીવી રહેલા આ પરિવારના ઘરમાં ત્યારે મોટો ભૂકંપ આવે છે, જ્યારે અચાનક તેમના રસોડામાંથી એક અજાણી લાશ મળી આવે છે. આ મુશ્કેલીમાંથી બચવા માટે માતા અને દીકરીઓએ જૂઠું બોલવું પડે છે અને પાડોશીઓથી સત્ય છુપાવવા માટે ભારે કવાયત કરવી પડે છે, જે સ્ક્રીન પર જોરદાર કોમેડી અને સસ્પેન્સ ઊભું કરશે.
દિગ્ગજ કલાકારોની સ્ટાર કાસ્ટ
'તુમ્હારી સુલુ' અને 'જલસા' જેવી શાનદાર ફિલ્મો આપનારા ડિરેક્ટર સુરેશ ત્રિવેણીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં માધુરી, તૃપ્તિ અને ધારણા ઉપરાંત ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન પણ એક રસપ્રદ પાત્રમાં જોવા મળશે. તેમના સિવાય ગીતાંજલિ કુલકર્ણી, અરુણોદય સિંહ અને શાર્દુલ ભારદ્વાજ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે.
ભાવનાત્મક સત્ય સાથેની મનોરંજક સફર
અબુદંતિયા એન્ટરટેઈનમેન્ટના પ્રોડ્યુસર વિક્રમ મલ્હોત્રાએ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "'Maa Behen' એક એવી વાર્તા છે જે દર્શકોને તેના અનોખા પ્લોટથી જકડી રાખશે. આ કોમેડી અને હોબાળાની પાછળ પરિવાર, સમાજ અને આ જજમેન્ટલ દુનિયામાં ટકી રહેવા માટે લોકો કેવા નિર્ણયો લે છે તેની એક ઊંડી માનવીય વાર્તા વણાયેલી છે." નેટફ્લિક્સ ઇન્ડિયાના ડાયરેક્ટર રુચિકા કપૂર શેખે પણ આ ફિલ્મને નેટફ્લિક્સની લાઈબ્રેરીમાં એક મોટો અને ખાસ ઉમેરો ગણાવ્યો છે.





