ભારતીય કંપની ઝોહો (Zoho) દ્વારા વિકસાવવામાં આવેલી અરટ્ટાઈ એપ (Arattai App) હવે વોટ્સએપના વિકલ્પ તરીકે ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. થોડાં દિવસો પહેલા રોજના માત્ર 3,000 વપરાશકર્તાઓ હતા, પરંતુ કેન્દ્રીય મંત્રીની અપીલ બાદ હવે આ સંખ્યા વધીને 3.5 લાખથી વધુ થઈ ગઈ છે. એપ સ્ટોર પર પણ તે સોશિયલ નેટવર્કિંગ શ્રેણીમાં ટોચના સ્થાન પર પહોંચી ગઈ છે.
2021માં થયો હતો લોન્ચ
"અરટ્ટાઈ" તમિલ શબ્દ છે, જેનો અર્થ થાય છે અનૌપચારિક વાતચીત. આ એપ ઝોહોએ 2021માં સાઈડ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરી હતી, પરંતુ શરૂઆતમાં ખાસ ધ્યાન ખેંચી શકી ન હતી. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકોથી સ્વદેશી એપને ટેકો આપવા અપીલ કરી, જેના કારણે ડાઉનલોડ્સમાં જબરદસ્ત ઉછાળો આવ્યો.
વોટ્સએપ જેવી સુવિધાઓ, પણ કેટલીક મર્યાદાઓ
અરટ્ટાઈ એપમાં પર્સનલ ચેટ, ગ્રુપ ચેટ, વોઇસ નોટ્સ, ફોટા અને વિડિયો શેરિંગ જેવી સુવિધાઓ છે. જોકે, ફક્ત વોઇસ અને વિડિયો કૉલ્સ જ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે; વ્યક્તિગત ચેટ માટે આ સુરક્ષા સુવિધા ઉપલબ્ધ નથી. કંપનીનું કહેવું છે કે ગોપનીયતાનો સંપૂર્ણ આદર કરવામાં આવશે અને વ્યક્તિગત ડેટાનું ક્યારેય મુદ્રીકરણ નહીં કરવામાં આવે.
ઝડપી તૈયારીઓ કરવાની ફરજ પડી
વપરાશકર્તાઓની અચાનક વધેલી સંખ્યા કારણે ઝોહોને તાત્કાલિક સર્વર અને માળખાગત સુવિધાઓ મજબૂત કરવી પડી. સહ-સ્થાપક શ્રીધર વેમ્બુએ જણાવ્યું કે સર્વર પરના વધતા બોજને કારણે કેટલાક વપરાશકર્તાઓને OTP પ્રાપ્ત કરવામાં વિલંબ થયો છે અને કોન્ટેક્ટ સિંક્રોનાઈઝેશનમાં મુશ્કેલી આવી રહી છે.