Home National Lucknow Charbagh Railway Station Redevelopment Airport Facilities Gujarati

લખનઊનું ચારબાગ રેલવે સ્ટેશન હશે એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ : રૂ. 400 કરોડના ખર્ચે થશે રિડેવલપમેન્ટ, જાણો વિશેષતા

ચારબાગ રેલવે સ્ટેશન કેવું બનશે તેની છબી
Image Credit: x.com Ministry of Railwa
Published by: Niraj Chokshi
Last Updated: Jul 13, 2026, 02:30 AM IST

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊનું ઐતિહાસિક ચારબાગ રેલવે સ્ટેશન હવે આધુનિક સુવિધાઓ સાથે નવા સ્વરૂપમાં જોવા મળશે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચારબાગ સ્ટેશનનું રૂ. 400 કરોડના ખર્ચે વ્યાપક પુનર્વિકાસ (રિડેવલપમેન્ટ) કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મુસાફરોને એરપોર્ટ જેવી વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, સાથે જ સ્ટેશનની ઐતિહાસિક અને સ્થાપત્ય વારસાને પણ યથાવત્ જાળવી રાખવાનો છે.

રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) અને ભારતીય રેલવે દ્વારા હાથ ધરાયેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ચારબાગ સ્ટેશનને વર્લ્ડ-ક્લાસ ટ્રાન્ઝિટ હબ તરીકે વિકસાવવામાં આવશે. સ્ટેશન પર મુસાફરો માટે એર-કન્ડિશન્ડ વેઇટિંગ લાઉન્જ, આધુનિક ફૂડ કોર્ટ, સ્માર્ટ કોન્કોર્સ, લિફ્ટ, એસ્કેલેટર, વિશાળ વેઈટિંગ એરિયા અને મલ્ટી લેવલ પાર્કિંગ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

7 માળની સ્માર્ટ ઈમારત બનશે

ચારબાગ સ્ટેશનની સૌથી મોટી વિશેષતા તેની અવધી, મુગલ અને બ્રિટિશ યુગની સ્થાપત્ય શૈલી છે. તેથી રિડેવલપમેન્ટ દરમિયાન સ્ટેશનની મૂળ ઐતિહાસિક ઇમારતમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નવી 7 માળની સ્માર્ટ ઈમારત સ્ટેશનના પાછળના ભાગમાં બનાવવામાં આવી રહી છે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે નવા બાંધકામ દરમિયાન ઐતિહાસિક ઈમારતની ઓળખ અને વારસાને સંપૂર્ણપણે જાળવી રાખવામાં આવશે. નવી ઈમારત મુસાફરોની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી રહી છે, જેમાં ડિજિટલ સુવિધાઓ અને આધુનિક યાત્રી સેવાઓનો સમાવેશ થશે.

પ્લેટફોર્મ ઉપર બનશે વિશાળ એસી એર કોન્કોર્સ

પ્રોજેક્ટનો સૌથી આકર્ષક ભાગ 115 મીટર લાંબો અને લગભગ 120 મીટર પહોળો અત્યાધુનિક એર કોન્કોર્સ હશે. આ કોન્કોર્સ પ્લેટફોર્મ નંબર 1થી 7 સુધીના સમગ્ર વિસ્તાર ઉપર બનાવવામાં આવશે અને સ્ટેશનના બંને પ્રવેશદ્વારોને પરસ્પર જોડશે.

આ કોન્કોર્સમાં એરપોર્ટ જેવી આરામદાયક બેઠક વ્યવસ્થા, સંપૂર્ણ એર-કન્ડિશન્ડ વાતાવરણ, પ્રીમિયમ લાઉન્જ, ફૂડ કોર્ટ અને અન્ય યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલના જૂના ટીન શેડને દૂર કરીને વધુ ખુલ્લી અને આધુનિક જગ્યા તૈયાર કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને વધુ સુવિધાજનક અનુભવ મળે.

આ પણ વાંચો: આંધ્ર પ્રદેશમાં ફરી કોરોનાની દસ્તક! : 2 દર્દીઓના મોત બાદ આરોગ્ય તંત્ર એલર્ટ, કડપામાં 8 સક્રિય કેસ નોંધાયા

પ્લેટફોર્મ વધશે, ભીડ નિયંત્રણ વધુ સરળ બનશે

હાલ ચારબાગ સ્ટેશન પર 9 પ્લેટફોર્મ છે, જેને વધારીને 11 કરવામાં આવશે. નવા પ્લેટફોર્મ નંબર 10 અને 11નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત તમામ પ્લેટફોર્મને જોડતા નવા અને વધુ પહોળા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.

દરેક પ્લેટફોર્મ પર નવી લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવશે, જેથી વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોને સરળતા રહે. નવા માળખાને કારણે ભવિષ્યમાં અહીં વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે અને મુસાફરોની વધતી સંખ્યાને સરળતાથી સંભાળી શકાશે.

મુસાફરોને મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ

નવા ચારબાગ સ્ટેશનમાં મુસાફરો માટે વિશાળ એર-કન્ડિશન્ડ વેઈટિંગ લાઉન્જ તૈયાર કરવામાં આવશે. સાથે જ જાણીતી ફૂડ બ્રાન્ડ્સના ફૂડ કોર્ટ, આધુનિક શૌચાલય, ડિજિટલ માહિતી પ્રણાલી અને આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. સ્ટેશન પર આધુનિક મલ્ટી લેવલ પાર્કિંગ પણ વિકસાવવામાં આવી રહી છે, જેમાં અંદાજે 900 કાર અને 900 બાઇક પાર્ક કરવાની ક્ષમતા હશે. આ ઉપરાંત ડ્રોપ-ઓફ અને પિક-અપ ઝોનને પણ વધુ વ્યવસ્થિત બનાવવામાં આવશે જેથી વાહનવ્યવહાર સરળ બને.

આ પણ વાંચો: ઓમાન નજીક વેપારી જહાજ પર હુમલો : 11 ભારતીયોમાંથી એક હજુ ગુમ, બચાવ કામગીરી ચાલુ

ભીડ વ્યવસ્થાપન માટે નવી યોજના

રિડેવલપમેન્ટ બાદ ચારબાગ સ્ટેશનનું સંચાલન મોટા એરપોર્ટની જેમ કરવામાં આવશે. સ્ટેશનમાં પ્રવેશતા અને ટ્રેનમાંથી બહાર નીકળતા મુસાફરો માટે અલગ-અલગ માર્ગ બનાવવામાં આવશે, જેથી અનાવશ્યક ભીડ ટાળી શકાય.

મુસાફરો સૌપ્રથમ એર કોન્કોર્સ સુધી પહોંચશે અને ત્યારબાદ એસ્કેલેટર અથવા લિફ્ટ મારફતે સીધા પોતાના પ્લેટફોર્મ પર જશે. આ વ્યવસ્થાથી પ્લેટફોર્મ પર ભીડ ઓછી રહેશે અને મુસાફરોને વધુ સુરક્ષિત તથા સુવ્યવસ્થિત અનુભવ મળશે.

ચારબાગ સ્ટેશનનું ઐતિહાસિક મહત્વ

ચારબાગ રેલવે સ્ટેશન ભારતના સૌથી સુંદર અને ઐતિહાસિક રેલવે સ્ટેશનોમાંનું એક ગણાય છે. તેની ભવ્ય ઈમારતનું ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ટ જે. એચ. હોર્નીમેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં રાજસ્થાની, મુગલ અને અવધી સ્થાપત્ય શૈલીનું અનોખું સંયોજન જોવા મળે છે. સ્ટેશનની ઈમારત બહારથી રાજપૂત મહેલ અથવા અવધના ભવ્ય ઇમામબાડા જેવી દેખાય છે. તેના ગુંબજ, મીનારા અને વિશાળ મહેરાબો તેની ઓળખ બની ગયા છે. ખાસ વાત એ છે કે ઉપરથી જોવામાં આ ઇમારત શતરંજની બિસાત જેવી દેખાય છે.

ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસમાં પણ આ સ્ટેશનનું વિશેષ સ્થાન છે. 26 ડિસેમ્બર 1916ના રોજ લખનૌ કોંગ્રેસ અધિવેશન દરમિયાન મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુની પ્રથમ મુલાકાત પણ ચારબાગ રેલવે સ્ટેશન પર જ થઈ હતી.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર પ્રોજેક્ટનું કામ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવી રહ્યું છે જેથી ટ્રેન સંચાલન અને મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય. પ્રોજેક્ટને 2026ના અંતથી જૂન 2027 દરમિયાન પૂર્ણ કરીને સામાન્ય જનતા માટે સંપૂર્ણ રીતે ખુલ્લું મૂકવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ચારબાગ રેલવે સ્ટેશન માત્ર લખનૌ જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારત માટે આધુનિક અને વિશ્વસ્તરીય રેલવે ટર્મિનલ તરીકે નવી ઓળખ ઉભી કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now